કથામૃત: મોબાઈલનાં જમાના પહેલાની વાત છે. એક યુવાન એક પબ્લિક ટેલિફોન બૂથ પરથી કોઈને ફોન લગાવી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં ફોન લાગતો ન હતો. બૂથની બાજુમાં બીજા કેટલાક લોકો પણ પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા હતાં. કોઈએ તો આ યુવાનને કહ્યું પણ ખરું કે, ભાઈ ફોન ન લાગતો હોય તો પછી પ્રયત્ન કરજોને, પ્લીઝ. અમારો વારો આવવા દો. પેલા યુવાને વિનંતી સાથે કહ્યું, એક વાર પ્રયાસ કરી લઉં અને એનો ફોન લાગી ગયો. એના ચહેરા પર આનંદના ભાવ જોઈને આસપાસ ઊભેલા લોકોને પણ ખબર પડી ગઈ કે ફોન લાગી ગયો છે.
સામા છેડે કોઈ મોટા શેઠાણી હતા. આ યુવાને પેલા શેઠાણી સાથે વાત શરૂ કરી, નમસ્કાર મેડમ, મને મિસિસ શર્માએ આપના નંબર આપ્યા છે. મેં સાંભળ્યું છે કે, આપનાં બાળકોની સારસંભાળ રાખનાર એક ઍટેન્ડન્ટની જરૂર છે ?
ના ભાઈ, અમારે કોઈ ઍટેન્ડન્ટની જરૂર નથી.
તો પછી આપના નાનાં બાળકોનું ધ્યાન કોણ રાખે છે ? આપ તો આપના બિઝનેસમાં સતત વ્યસ્ત હોવ છો. અરે ભાઈ, તારે એ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મેં આ માટે એક યુવાનને રાખ્યો જ છે. એ બહુ સરસ રીતે પોતાની ફરજ નિભાવે છે. પણ મેડમ, મને નોકરીની ખૂબ જ જરૂર છે, અને આપ મને અત્યારે કામ કરનારને જેટલો પગાર આપો છો; એના કરતા ઓછો પગાર આપશો તો પણ ચાલશે. અરે ભાઈ, તમે કેમ સમજતા નથી. અત્યારે જે યુવાન કામ કરે છે એ પૂરી નિષ્ઠાથી કામ કરે છે. એ મારા ઘરનો નોકર નહીં મારા પરિવારનો સભ્ય જ છે; અને મને એના પર પૂરો વિશ્વાસ છે. મારુ આખું ઘર હું એના હવાલે કરીને કોઈપણ જાતની ચિંતા વગર બહાર જઈ શકું છું. પણ મેડમ, હું પણ એવી રીતે જ કામ કરીશ. આપ મારા વિશે મિસિસ શર્માને પૂછી શકો છો. ભાઈ, મારે કોઈને પૂછવું નથી અને મારે કોઈ નોકરની જરૂર નથી. મહેરબાની કરીને હવે ફોન ન કરતા. સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો. પેલો યુવાન ફોન મૂકીને બહાર આવ્યો. બહાર આ વાત સાંભળી રહેલા લોકોને આ યુવાન પર દયા આવી, પરંતુ પેલા યુવાનનો ચહેરો તો કોઈ અપરિચિત આનંદથી ચમકી રહ્યો હતો. બહાર ઊભેલા લોકોને આશ્વર્ય થયું એટલે આ યુવાનને પૂછ્યા વગર ન રહી શક્યા, અરે ભાઈ, તને નોકરીની ના પાડી દીધી તો પણ કેમ આનંદમાં !
- Advertisement -
પેલા યુવાને તો હસતાં હસતાં કહ્યું, આ શેઠાણીનો નોકર હું પોતે જ છું. આ તો મારી સેવાથી મારા શેઠાણી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા માટે જ ફોન કરવા આવ્યો હતો.
બોધામૃત
આપણે બધાં પણ આપણને સોંપવામાં આવેલું કામ કરીએ છીએ. ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઑડિટ પોતાની જાતે કર્યું છે ખરું ? મારી સેવાની ગુણવત્તા કેવી છે, એની ક્યારેય ચકાસણી કરી છે ખરી ?