યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી મંત્રણામાં ઉગ્ર દલીલો બાદ ઝેલેન્સ્કી મક્કમ રહ્યા અને તેમણે ટ્રમ્પથી માફી માગવાનો ઈનકાર કરી દીધો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ ઘટનાને બંને પક્ષો માટે નુકસાનકારક ગણાવી હતી.
ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા સમર્થન પાછું ખેંચી લેશે તો રશિયા વિરુદ્ધ યુક્રેનની સુરક્ષા કરવી અમારા માટે મુશ્કેલ બની જશે. જોકે મને એ વાત પર અફસોસ છે કે અમેરિકન પ્રમુખ સાથે ઉગ્ર દલીલોનું જાહેર પ્રસારણ કરાયું. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે વિનમ્રતા જાળવી રાખવા માગીએ છીએ.
- Advertisement -
જ્યારે ઝેલેન્સ્કીને સવાલ કરાયો કે શું તમે અમેરિકન પ્રમુખ પાસે માફી માગવાનો છો તો તેમણે જવાબ આપ્યો કે ના, હું પ્રમુખનું સન્માન કરું છું. હું અમેરિકન લોકોનું પણ સન્માન કરું છું પણ મને નથી લાગતું કે અમે કંઈ ખોટું કર્યું છે. ટ્રમ્પ અને પુતિનના વધતા સંબંધો વચ્ચે ઝેલેન્સ્કીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ટ્રમ્પ મધ્યસ્થતા કરતા રહે. મારી ઈચ્છા છે કે ટ્રમ્પ અમારી તરફેણ કરે. જોકે શું હવે ફરી ટ્રમ્પ સાથે સારા સંબંધો બનશે તેવા સવાલના જવાબમાં તેમણે હાંમાં જવાબ આપ્યો હતો.
જાણો એવું તે શું બન્યું ?
વાસ્તવમાં ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ઝેલેન્સકી પહેલી વાર અમેરિકામાં તેમને મળ્યા હતા. બંને વચ્ચેની મુલાકાત હાથ મિલાવવા અને સ્મિત સાથે શરૂ થઈ. 45 મિનિટ ચાલેલી આ બેઠકના પહેલા ૩૫ મિનિટ બંનેએ ખુશીથી વાતો કરી પરંતુ જ્યારે US વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે રાજદ્વારી નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો ત્યારે તણાવ ટૂંક સમયમાં જ વણસી ગયો.
- Advertisement -
આના પર ઝેલેન્સકીએ કહ્યું કે, શું તે વાન્સને એક પ્રશ્ન પૂછી શકે છે? વેન્સે જવાબ આપ્યો હા, ચોક્કસ. આ તરફ ઝેલેન્સકીએ કહ્યું કે, ઠીક છે. તો… વ્લાદિમીર પુતિને યુક્રેન અને ક્રિમીઆના મોટા ભાગ પર કબજો કરી લીધો. તેમણે 2014માં તેના પર કબજો કર્યો. આ વર્ષોથી ચાલી રહ્યું છે, પછી ભલે તે ઓબામા હોય, પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોય, પછી રાષ્ટ્રપતિ બિડેન હોય… હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને રોકશે. પરંતુ 2014 દરમિયાન કોઈએ તેમને કેમ રોક્યા નહીં? આ સાથે ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, મેં રશિયા સાથે પણ યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ પછી પુતિને યુદ્ધવિરામનો ભંગ કર્યો, તેણે આપણા લોકોને મારી નાખ્યા અને કેદીઓની આપ-લે કરી નહીં. જેડી તમે કેવા પ્રકારની રાજદ્વારી વાત કરો છો? તમારો મતલબ શું છે?
આ તરફ US વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું, હું એવી રાજદ્વારી પદ્ધતિ વિશે વાત કરી રહ્યો છું જે તમારા દેશના વિનાશનો અંત લાવશે. આ પછી ઝેલેન્સકીએ બોલવાનું શરૂ કર્યું કે, તરત જ વાન્સે તેમને અટકાવ્યા અને કહ્યું, શ્રીમાન રાષ્ટ્રપતિ, મને લાગે છે કે તમારા માટે ઓવલ ઓફિસમાં આવીને અહીં વાત કરવી અપમાનજનક છે. અમેરિકા તમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તમારે રાષ્ટ્રપતિનો આભાર માનવો જોઈએ.
…અને ટ્રમ્પ વચ્ચે કૂદી પડ્યા
આ તરફ ટ્રમ્પ બંને નેતાઓ વચ્ચેની ચર્ચામાં કૂદી પડ્યા. ઝેલેન્સકી પર આંગળી ચીંધતા ટ્રમ્પે કહ્યું, તમે યોગ્ય સ્થિતિમાં નથી, તમારે રશિયા સાથે સમાધાન કરવું પડશે. તમારે અમારા આભારી રહેવું જોઈએ. અમને ડિક્ટેટ કરવાનો પ્રયાસ ના કરો.
આ તરફ ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, તમારી પાસે હવે સારા ઉકેલો છે, દેશમાં જોવા માટે સારા સમુદ્રો છે, પરિસ્થિતિ યુક્રેન જેવી નથી. તમને અત્યારે એનો અનુભવ નથી થતો, પણ ભવિષ્યમાં તમને એનો અનુભવ થશે. આ પછી ટ્રમ્પ ગુસ્સે થયા અને કહ્યું કે, અમે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શું અનુભવીશું તે અમને કહેવાનો પ્રયાસ ના કરો. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તમે લાખો લોકોના જીવન સાથે જુગાર રમી રહ્યા છો, તમે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.




