ચેન્નાઈ સુપર કિંગ્સની સતત ત્રીજી હારથી ઋતુરાજ ગાયકવાડ દુઃખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેમને સતત ત્રીજી હારનો સામનો કરવા માટે મજબૂર કર્યા. CSKનો ટોપ ઓર્ડર RCB સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો. આ હારથી ગાયકવાડ દુઃખી ભરાયા. હારની જવાબદારી લેતા તેણે કહ્યું, ‘જો મેં રન બનાવ્યા હોત તો મેચનું પરિણામ અલગ હોત, પરંતુ હું તે ન કરી શક્યો.’ ટિમ ડેવિડ (અણનમ 70) અને દેવદત્ત પડિક્કલ (50)ની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે RCBએ CSKને 43 રનથી હરાવી દીધું.
હું જ હાર માટે જવાબદાર: ઋતુરાજ ગાયકવાડ
- Advertisement -
હાર બાદ ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, ‘સાચું કહું તો હું પણ પ્રદર્શનથી થોડો હેરાન છું. સરફરાઝ ખાન, પ્રશાંત વીર અને જેમી ઓવરટને શાનદાર જુસ્સો દેખાડ્યો. મને લાગે છે કે જો મેં ટોપ ઓર્ડરમાં રન બનાવ્યા હોત, તો અમે લક્ષ્ય હાંસલ કરી શક્યા હોત. તેથી આજની હારની જવાબદારી હું લઉં છું.’ ફિલ્ડિંગમાં વિરાટ કોહલીની કેચ છોડવી અને ટિમ ડેવિડની આક્રમક બેટિંગે મેચનું પાસુ પલટી નાખ્યું. અમે 14મી ઓવર સુધી મેચમાં હતા, પરંતુ ત્યારબાદ ભૂલોના કારણે મોમેન્ટમ હાથમાંથી નીકળી ગયો.
RCBનું શાનદાર પ્રદર્શન
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને RCBને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. RCBએ ડેવિડ અને પડિક્કલ ઉપરાંત કેપ્ટન રજત પાટીદારના અણનમ 48 રન અને ફિલ સોલ્ટની 46 રનની ઈનિંગથી ત્રણ વિકેટે 250 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પડિક્કલ (29 બોલ, 5 ચોગ્ગા, 2 છગ્ગા) અને ડેવિડ (25 બોલ, 3 ચોગ્ગા, 8 છગ્ગા)એ ધમાકેદાર હિટિંગનું પ્રદર્શન કરતા CSKના લાચાર બોલરોની ખૂબ ધૂલાઈ થઈ. કેપ્ટન પાટીદારે 19 બોલની ઈનિંગમાં 1 ચોગ્ગો અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સોલ્ટે 30 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
- Advertisement -
જવાબમાં CSK ટોપ ઓર્ડરના પતનમાંથી બહાર જ ન નીકળી શક્યું અને સરફરાઝ ખાનના 50 રન છતાં 19.4 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તેના માટે સરફરાઝ ઉપરાંત, પ્રશાંત વીરે 43 અને જેમી ઓવરટને 37 રન બનાવ્યા. RCB માટે ભુવનેશ્વર કુમાર સૌથી સફળ બોલર રહ્યો, તેણે ચાર ઓવરમાં 41 રન આપીને ત્રણ વિકેટ ખેરવી. જેકબ ડફી, કૃણાલ પંડ્યા અને અભિનંદન સિંહે બે-બે વિકેટ લીધી. સુયશ શર્માએ એક વિકેટ લીધી.




