સંજુની કેપ્ટન ઈનિંગ એળે ગઈ : રાજસ્થાનનાં ટોપ-4માં પહોંચવાનાં સમીકરણો હૈદરાબાદે બગાડ્યા : રાજસ્થાને હવે બાકીની બધી જ મેચ જીતવી પડશે
જેસન રોયે તોફાની બેટિંગ કરતાં 60 રન ફટકાર્યા : મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
ઓપનર જેસન રોય અને સુકાની કેન વિલિયમ્સને નોંધાવેલી અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં રમાયેલી આઇપીએલ ટી20 લીગની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર રાજસ્થાનની ટીમે તેના સુકાની સંજૂ સેમસનના 82 રનની મદદથી પાંચ વિકેટે 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં હૈદરાબાદની ટીમે નવ બોલ બાકી રાખીને ત્રણ વિકેટના ભોગે 167 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. રનચેઝ કરનાર હૈદરાબાદની ટીમ માટે જેસન રોયે 42 બોલમાં આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 60 રન તથા વિલિયમ્સને 41 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. અભિષેક શર્માએ અણનમ 21 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ઇનિંગમાં સેમસન ઉપરાંત ઓપનર જયસ્વાલે 36 તથા લોમરોરે અણનમ 29 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે સિદ્ધાર્થ કૌલે બે વિકેટ ઝડપી હતી.