રાજકોટ રેસકોર્સને 50 કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે
મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગની કાયમી સમસ્યાને હલ કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ શહેરના હૃદય સમાન અને નાગરિકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગણાતા રેસકોર્સ ગ્રાઉન્ડને હવે વૈશ્વિક કક્ષાનું નવું સ્વરૂપ આપવાની મહત્વાકાંક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ આ સમગ્ર નવીનીકરણના મેગા પ્લાન વિશે સ્પષ્ટ કર્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રેસકોર્સને માત્ર ફરવાનું સ્થળ જ નહીં, પરંતુ આધુનિક, સુરક્ષિત અને સુવિધાસભર જગ્યા બનાવવાનો છે જ્યાં નાગરિકો ટ્રાફિકની કે અન્ય કોઈ ચિંતા વગર પોતાના પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકશે. આ માટે રૂ. 50 કરોડ જેટલા ખર્ચનો અંદાજ હોવાનું તેઓએ જણાવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા રેસકોર્સના સમગ્ર રંગરૂપ બદલવાની યોજના છે, જેમાં મેળાના વિશાળ મેદાનથી માંડીને અલગ અલગ ગાર્ડનના નવનિર્માણ અને સ્પોર્ટ્સ સુવિધાઓના અપગ્રેડેશનનો વિચાર કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષોના બજેટમાં આ યોજનાને સમાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આટલા મોટા પ્રોજેક્ટ માટેના ફંડિંગ રૂટ પર હાલ કામગીરી ચાલી રહી છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ્સ અને અન્ય અનુદાન મેળવવાનો સમાવેશ થાય છે. એકવાર માસ્ટર પ્લાન ફાઇનલ થઈ જાય પછી ફંડની વ્યવસ્થા સરળતાથી ગોઠવી દેવામાં આવશે. આર્થિક વ્યવસ્થાની રૂપરેખા સ્પષ્ટ થતાં જ નવીનીકરણના કામોને ઝડપથી આગળ વધારવામાં આવશે. આ નવીનીકરણમાં રાજકોટના નાગરિકોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે. મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગની કાયમી સમસ્યાને હલ કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેસકોર્સ શહેરના મધ્યમાં સ્થિત હોવાથી ટ્રાફિક અને ખાસ કરીને પાર્કિંગની સમસ્યા એક કાયમી પડકાર રહી છે. આ પ્રશ્ન સમસ્યાને કાયમ માટે હલ કરવા માટે, રેસકોર્સમાં મુલાકાતીઓની સંખ્યાને અનુરૂપ પૂરતી અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ ડેવલપ કરવામાં આવશે, જેથી લોકો વાહનોની ચિંતા વગર રેસકોર્સનો ઉપયોગ કરી શકે. રેસકોર્સની જૂની સુવિધાઓને માત્ર રીવેમ્પ જ નહીં કરવામાં આવે, પરંતુ નાગરિકો માટે આરામથી બેસવાની અને શાંતિનો અનુભવ કરવાની પૂરતી સગવડો પણ ઊભી કરવામાં આવશે.
મ્યુ. કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રોજેક્ટ હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ પર છે. માસ્ટર પ્લાનનું એક પ્રાથમિક પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે, પરંતુ તેના પર વિવિધ સજેશન્સ, બ્રેઈનસ્ટોર્મિંગ અને સુધારાનો બીજો કટ આવવાનો હજી બાકી છે. માસ્ટર પ્લાન સંપૂર્ણપણે ફાઇનલ થયા બાદ જ તેના ડિટેલિંગ અને ગ્રાઉન્ડ લેવલના અમલની શરૂઆત થઈ શકશે. એન્જિનિયરો દ્વારા કયા કયા જરૂરી સુધારા અને ઉમેરા કરવા તે અંગેના વિચારો ચાલી રહ્યા છે.
- Advertisement -
નવું અને આધુનિક પ્લેનેટોરિયમ: જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બનશે
વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવાના ભાગરૂપે, હાલના પ્લેનેટોરિયમનું સંપૂર્ણપણે નવનિર્માણ કરવાની યોજના છે. જે આધુનિક પ્લેનેટોરિયમ હશે. હાલનાં પ્લેનેટોરિયમને બદલે સંપૂર્ણપણે નવી ટેકનોલોજીથી સજ્જ અને વિશ્વસ્તરીય પ્રદર્શન ક્ષમતા ધરાવતું આધુનિક પ્લેનેટોરિયમ બનાવવાની યોજના છે. કમિશનરે જણાવ્યું કે, આ પ્લેનેટોરિયમ ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાશે, જે રાજકોટના બાળકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાન અને મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર બનશે. આનાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
લોકો વૉકિંગ અને કસરત કરી શકે તે માટે જરુરી સુવિધા ઉભી કરાશે
નાગરિકોને એક્સરસાઇઝ અને વોકિંગ માટે અલગ, સલામત અને સુખદ જગ્યા મળે તે માટે વિશેષ રસ્તાઓ અને એરિયા બનાવવામાં આવશે. આનાથી લોકો ટ્રાફિક કે અન્ય કોઈ અસુવિધા વગર આરામથી હરી-ફરી શકે અને શારીરિક પ્રવૃત્તિઓ કરી શકે. આ સાથે, રેસકોર્સ રીંગ રોડનો વોકિંગ ટ્રેક દીવાલની અંદર લઇ જવાનું આયોજન પણ ફરી એકવાર વિચારણા હેઠળ લેવામાં આવશે. અગાઉના સમયગાળામાં પણ આ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તે સાકાર થઈ શક્યો ન હતો. હવે કોર્પોરેશન દ્વારા રેસકોર્સ રીંગ રોડ ડેવલપમેન્ટના વિચારને પણ ફરી એકવાર ગતિ આપવામાં આવી છે.
ડેવલપમેન્ટ કરવા માટેની બ્લુ પ્રિન્ટ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે
રેસકોર્સ સંકુલનો સૌથી મોટો ભાગ મેળાના મેદાનનો છે. અગાઉ આ ભાગ ફરતે ગ્રીનરી વધારવા અંગે વિચારણા થઈ હતી. આ નવીનીકરણ યોજનામાં રેસકોર્સના અલગ અલગ ગાર્ડનની હાલત સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે. થોડા સમય પહેલા જ ચબૂતરા સામેનો સંપૂર્ણ ભાગ ખાલી કરાવવામાં આવ્યો છે, જ્યાં અગાઉ સ્પોર્ટ્સ ફિયેસ્ટા ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. હવે આ નાની જગ્યા સહિત સમગ્ર રેસકોર્સ સંકુલમાં કેટલા અને કેવા ડેવલપમેન્ટ કરવા તેની બ્લુ પ્રિન્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.



