મુંબઈ રહેતા પતિએ કુરિયર મારફતે તલાકનામાના કાગળો મોકલ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસ મથકમાં ત્રિપલ તલાકનો પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં વાંકાનેરની મહિલા તબીબને મુંબઈમાં રહેતા પતિએ કુરિયર મારફતે તલાકનામાના કાગળો મોકલી આપ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેરમાં પોતાના માતા-પિતા સાથે રહેતા ડો. કેલીબેન (36)એ મૂળ સુરેન્દ્રનગરના અને હાલ મુંબઈમાં રહેતા પોતાના પતિ વિરુદ્ધ ત્રિપલ તલાક આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં મહિલા તબીબે જણાવ્યું કે, 2024માં પોતે રૂપિયા આપવાનું બંધ કરી દેતા પતિએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. જેથી મે-2024માં મેં ઈસ્માઈલી ખોજા સમાજમાં મધ્યસ્થી કરવા કેસ કર્યો હતો. આ દરમિયાન ગત 9 સપ્ટેમ્બર,2024ના રોજ પતિએ નોટરી લખાણ પર પ્રથમ તલાક અંગે ડિક્લેરેશન મોકલી આપ્યું હતુ, જે તલાકનામું કુરિયર મારફતે વાંકાનેર મળતા ઙઇજઈ સેન્ટરમાં રજૂઆત પણ કરી હતી. જે બાદ પતિ સહિત સાસુ-સસરા સાથે ઙઇજઈ સેન્ટર ખાતે મિટિંગ પણ કરી હતી. જ્યાં કાર્યવાહીના અંતે સમાધાન થયું હતુ, પરંતુ પતિ તેડી જતાં નહતા. જ્યારે 11 ઑક્ટોબર, 2024ના રોજ પતિએ બીજા તલાક અંગેનું સોગંધનામું નોટરી લખાણ પર કુરિયર દ્વારા મોકલ્યું હતુ. જે બાદ 17 નવેમ્બરના રોજ ત્રીજા તલાક અંગેનું સોગંધનામું નોટરી કરીને વાંકાનેર મોકલી આપ્યું હતુ. આમ મુંબઈ રહેતા પતિએ વાંકાનેરની મહિલા તબીબને ત્રિપલ તલાકનું લખાણ મોકલ્યું હતુ. જો કે ફરિયાદીને તલાક માન્ય ના હોવાથી તેણે વકીલ મારફતે પતિને લીગલ નોટિસ પણ મોકલી હતી. હાલ તો વાંકાનેર સિટી પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ત્રિપલ તલાક આપવા અંગે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.