લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન
ખાસ-ખબર સંવાદદાતા
મેક્સિકોના અલાપુલ્કોમાં વાવાઝોડું ઓટિસ ટકરાયા બાદ ઓછામાં ઓછા 27 લોકોના મોત નિપજ્યા છે. મૈક્સિકન સુરક્ષા મંત્રી રોજા આઈસેલા રોડ્રિગ્ઝે કહ્યું કે, 4 લોકો હજુ પણ લાપતા છે. મૈક્સિકન અધિકારીઓ હાલ ઓટિસના કારણે સર્જાયેલ તબાહીનો તાગ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ઓટિશના કારણે મોટાપ્રમાણમાં તારાજી સર્જાઈ છે. ઉલ્લેખનિય છે કે, પેસિફિક મહાસાગરના કિનારે સ્થિત મેક્સિકોમાં ગઈકાલે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. મેક્સિકો કિનારે ’ઓટિસ’ વાવાઝોડું 230 કિમી પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું. જોરદાર પવન અને વરસાદના લીધે ભારે તારાજી સર્જાય હતી. આ વાવાઝોડાએ લોકોના ઘર, વાહનો, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.
વાવાઝોડું ખૂબ શક્તિશાળી હોવાથી મેક્સિકોમાં ચારેકોર વિનાશ વેર્યો હતો. 1950 પછીનું આ સૌથી ભયંકર વાવાઝોડું સાબિત થયું છે. તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સતાધીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, આ વાવાઝોડું એટલું ખતરનાક હતું તેનાથી બચવા માટે તૈયારી કરવાનો પણ સમય મળ્યો ન હતો કારણ કે ચક્રવાત તેના ઉદ્ભવના 12 કલાકની અંદર દરિયાકાંઠેના વિસ્તારમાં અથડાયું હતું. મેક્સિકોના અકાપુલ્કો પાસે ’ઓટિસ’ ચક્રવાત ટકરાયું હતું જ્યાં 10 લાખ લોકો રહે છે. મેક્સિકોનું આ એક મોટું પર્યટન સ્થળ છે જે આ વાવાઝોડાના ઝપેટમાં આવતા બરબાદ થઈ ગયું છે.