આજે સ્નાન કરી અને પિતૃમોક્ષાર્થે ભાવિકોએ પાણી રેડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. આવતીકાલે ભાદરવી અમાસનાં પિપળે પાણી રેડવાનું અનેરું મહત્વ છે.જૂનાગઢનાં ભવનાથ જવાનાં માર્ગ પર આવેલા દામોદરકુંડ ખાતે કાલે સેંકડો ભાવિકો ઉમટી પડશે અને પિતૃનાં મોક્ષાર્થે પાણી રેડશે. આજે ગુરૂવારનાં વહેલી સવારનાં ભાવીકો પહોંચી ગયા હતા અને દામોદરકુંડમાં સ્નાન કરી પુજા-અર્ચના કરી હતી.
- Advertisement -
સોમવારથી પિતૃ માસ ભાદરવાનો પ્રારંભ થશે અને પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે. શ્રાવણ માસને લઇ જૂનાગઢમાં આવેલા શિવાલયોમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. તેમજ શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી.
શ્રાવણ માસનાં અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસનાં દિવસે પિતૃકાર્યનું અનેરું મહત્વ રહેલું છે. જૂનાગઢમાં દામોદરકુંડ ખાતે પિતૃતર્પણ, સ્નાન અને પિતૃનાં મોક્ષાર્થે પાણી રેડવામાં આવે છે. ભાદરવી અમાસનાં દિવસે ઠેરઠેરથી લોકો ઉમટી પડે છે. સેંકડોની સંખ્યામાં ભાવીકો આવતા હોય છે. ત્યારે ભવનાથ જવાનાં માર્ગ ઉપર ભારે ટ્રાફીક જોવા મળે છે. તેમજ કાલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. ભાદરવી અમાસ પહેલા આજે ગુરૂવારે સવારથી ભાવીકો ઉમટી પડ્યો હતો. ભવનાથ અને દામોદરકુંડ ખાતે ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો. તેમજ વાહન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ભવનાથ જવાનાં માર્ગો વન-વે કરવામાં
આવ્યાં છે.