2002ના વર્ષની આ વાત છે.
ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે ભારતના રાષ્ટ્રપતિનો હોદો સંભાળ્યો અને થોડા સમય બાદ પવિત્ર રમઝાન માસ આવ્યો. વર્ષોથી રાષ્ટ્રપતિ ભવનની એક પ્રણાલીકા રહી છે કે રમઝાન માસમાં ભારતના રાષ્ટ્રપતિ દેશની ગણમાન્ય મોટી-મોટી હસ્તીઓને ઇફતાર પાર્ટી આપે.આ વખતે તો રાષ્ટ્રપતિ પોતે જ મુસ્લીમ હતા એટલે રમઝાનની ઇફતારનું જોરદાર આયોજન કરવાનું રાષ્ટ્રપતિ ભવને નક્કી કર્યુ.
- Advertisement -
ડો.કલામે એમના મિત્ર જેવા પી.એમ.નાયરને કહ્યુ, “આ ઇફતાર પાર્ટીમાં તો બધા ધનિક લોકો જ આવે. એ લોકોને જમાડો કે ન જમાડો એનાથી શું ફેર પડવાનો. આપણે ઇફતાર પાર્ટી કરીને આવા ધનવાનોને નથી જમાડવા એ તો રોજ સારુ-સારુ જમે જ છે. આપણે અનાથાલયના બાળકોને સરસ ભોજન કરાવીએ. તમે તપાસ કરો કે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ તો એનો કેટલો ખર્ચો થાય ?” પી.એમ.નાયરે આ બાબતે તપાસ કરી અને ડો.કલામને કહ્યુ,”સર, ઇફતાર પાર્ટી માટે લગભગ 22 લાખ જેટલો ખર્ચો થાય”.
ડો.કલામે કહ્યુ, “તમે ટીમ બનાવો અને અનાથાલયોના બાળકો માટે કપડા, ધાબળા, મિઠાઇ વગેરેની વ્યવસ્થા કરાવો. આપણે નાના-નાના બાળકોને રાજી કરવા છે. બાળકો રાજી થશે તો અલ્લાહ રાજી જ છે. ગરીબ ઘરના બાલકોની ખુશી એ જ આપણા માટે ઇફતાર પાર્ટી.” પી.એમ.નાયરે સુચના મુજબ બધી તૈયારી શરુ કરાવી. ડો.કલામે નાયરને બોલાવીને વધારાનો એક લાખનો ચેક આપ્યો અને કહ્યુ, ” નિયમ મુજબ સરકારી તિજોરીમાંથી તો ખર્ચો કરવાના જ છો પણ આ નાની એવી રકમ હું મારી અંગત બચતમાંથી આપુ છું. બીજા કોઇને આ વાત ન કરતા. આ રકમ પણ બાળકો માટે વાપરો”
ડો. કલામ 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. મુસલમાન હોવા છતા આ પાંચ વર્ષનાસમયગાળા દરમ્યાન એણે એક પણ ઇફતાર પાર્ટી રાખી નથી. દર વર્ષે ઇફતાર પાર્ટી પાછળ કરવાનો ખર્ચ ગરીબ બાળકોને રાજી કરવા માટે કરવામાં આવતો હતો. તમે કદાચ એ સમાચાર તો વાંચ્યા હશે કે ડો.કલામે એના 50 સગા સંબંધીઓને દિલ્હી જોવા માટે બોલાવેલા પરંતું એ ખબર નહી હોય કે આ 50 જણાના રહેવા જમવાનો ખર્ચ સરકારી તીજોરીમાંથી નથી ચૂકવાયો પરંતું ડો.કલામે એની અંગત બચતમાંથી 2 લાખ ચૂકવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના ઇતિહાસમાં એવુ પહેલીવાર બન્યુ હતુ કે રાષ્ટ્રપતિના મહેમાનોનો ખર્ચ રાષ્ટ્રપતિએ પોતે જ ભોગવ્યો હોય.
- Advertisement -
ડો.કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે વખતે એમણે અમૂલ ડેરીના સ્થાપક ડો.વર્ગિસ કુરિયનને મળવા માટે બોલાવેલા. ડો. કલામે ડો.કુરિયન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરતા કહેલું, “હું હવે ભારતનો રાષ્ટ્રપતિ બની ગયો છું. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભારત સરકાર મારી બધી સંભાળ રાખશે. ભારત સરકાર મારું ધ્યાન રાખવાની છે તો પછી મારી પોતાની મિલકત અને બચતની મારે હવે કોઈ જરૂર નથી. મારી બધી મિલકત અને બચત મારે લોકોના ભલા માટે વાપરવી છે.” ડો.કુરિયન ડો.કલામની હ્દયભાવનાને મનોમન વંદી રહ્યા હતા. ડો.કલામે ખાલી વાતો કરી એટલું જ નહિ હકીકતમાં પોતાની બધી જ સંપત્તિ અને બચત ગ્રામ્ય લોકોને શહેરના લોકો જેવી સુવિધા પૂરી પાડવાના હેતુથી દાનમાં આપી દીધી હતી.
ડો. કલામ જ્યારે ઉછઉઘ ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ) માં કામ કરતા હતા ત્યારે સલામતી માટે સંસ્થાની દીવાલ પર કાચ લગાવવાની દરખાસ્ત મુકવામાં આવી જેથી કોઈ દીવાલ કૂદીને પ્રવેશી ના શકે. ડો.કલામે આ દરખાસ્તનો વિરોધ કરતા કહ્યું હતું કે જો દીવાલ પર કાચ લગાવવામાં આવશે તો પંખીઓ બેસી નહિ શકે એટલે કાચ લગાવવાનું પડતું મુકો. કેવી કરુણાદ્રષ્ટિ !
ડો.કલામ જ્યારે આ જ સંસ્થામાં કામ કરતા હતા ત્યારે તેના એક મદદનિશ વૈજ્ઞાનિકે કામ પરથી વહેલા જવાની રજા માંગેલી. ડો.કલામે કારણ પૂછ્યું તો પેલા એ કહ્યું કે બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે. ડો.કલામે એની રજા મંજૂર કરી. પેલા વૈજ્ઞાનિક તો કામ કરતા રહ્યા અને બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે એ ભૂલી જ ગયા. જ્યારે ઘરે ગયા ત્યારે એને ખબર પડી કે ડો.કલામ ખુદ એના ઘરે આવ્યા હતા અને એના બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા હતા.
વારાણસીમાં આઇઆઇટીના એક કાર્યક્રમમાં ડો.કલામને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હતું. ડો. કલામ જ્યારે સ્થળ પર આવ્યા તો એમણે જોયું કે આગલી હરોળમાં મુકેલી 5 ખુરશીઓમાં એમના માટેની ખુરશી બાકીની ખુરશીઓ કરતા મોટી છે. એમણે મોટી ખુરશી પર બેસવાની વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી અને જ્યારે બીજી ખુરશી જેવી જ ખુરશી મુકાણી ત્યારે એના પર બેઠા.
રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ડો.કલામ કેરળમાં પધારી રહ્યા હતા. કેરળના રાજ્યપાલ ભવનમાં એમના સ્વાગતમાં મોટો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ડો.કલામ જેના નામ સૂચવે તે વિઆઇપીઓને રાષ્ટ્રપતિના મહેમાન તરીકે આમંત્રણ આપવાનું હતું. ડો. કલામે આ માટે બે વ્યક્તિના નામ સૂચવેલા એમાં એક હતો સામાન્ય હોટલવાળો જેને ત્યાં કલામ જમતા અને બીજો હતો એક સામાન્ય જોડા સિવનારો મોચી જેની સાથે કલામને મૈત્રી હતી. દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ કલામને સામાન્ય માણસો યાદ હતા.