ધ્રાંગધ્રાના વિકલાંગ રામગીરીજીની કિડનીની સર્જરી નિ:શુલ્ક કરાઈ; હેલ્પ ડેસ્ક બન્યું પરિવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અહેવાલ: કૌશિક ગોંડલીયા
જીવન સંઘર્ષમય હોવા છતાં માનવતા જીવંત રાખવાનું ઉદાહરણ ધ્રાંગધ્રાના 63 વર્ષીય રામગીરી ગુરુશિવરાત્રીગીરીએ પૂરું પાડ્યું છે. 40 ટકા વિકલાંગતા ધરાવતા અને ભીખ માંગી ગુજરાન ચલાવતા રામગીરીજી પોતે ભૂખ્યા રહીને પણ રસ્તાના કૂતરાઓને ખવડાવે છે. તાજેતરમાં તેમને પેટમાં અસહ્ય દુખાવો થતા સુરેન્દ્રનગરથી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
તપાસમાં કિડનીની ગંભીર તકલીફ જણાતા ડો. ઇલ્યાસ જુણેજા અને તેમની ટીમે ત્વરિત સર્જરી કરી માત્ર ચાર દિવસમાં તેમને સાજા કર્યા હતા. બિનવારસી હોવા છતાં હોસ્પિટલ દ્વારા તેમની સારવાર, જમવા અને કપડાંની સંપૂર્ણ વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી હતી. અધિક્ષક ડો. મોનાલી માંકડિયા અને ડો. હર્ષદ દુસરાના માર્ગદર્શન હેઠળ હેલ્પ ડેસ્ક ટીમે દર્દીની આત્મીયતાથી સેવા કરી હતી.
સારવાર પૂર્ણ થયા બાદ રામગીરીજીને હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા સુરક્ષિત રીતે ધ્રાંગધ્રા ખાતે તેમના રહેઠાણે પરત મોકલવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલનું હેલ્પ ડેસ્ક બિનવારસી દર્દીઓ માટે પરિવારની ગરજ સારે છે, જ્યાં દર્દીના દાખલ થવાથી લઈને ડિસ્ચાર્જ અને પુન:વસન સુધીની તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે.



