સ્થાયી સરકારી નોકરી સહિત 10 પડતર માંગણીઓ માટે પ્રાંત કલેક્ટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
પાટડીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાની 10 પડતર માંગણીઓ માટે વિશાળ રેલી કાઢી પ્રાંત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં તેમણે તાત્કાલિક ધોરણે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની માંગણી કરી છે.
આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ:
- Advertisement -
સ્થાયી સરકારી નોકરી: ઓક્ટોબર 2024માં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને સ્થાયી સરકારી નોકરીના હકદાર ગણાવ્યા હતા, આ ચુકાદાનો તાત્કાલિક અમલ કરવો.
ભેદભાવ દૂર કરવો: બી.એલ.ઓ. અને આઈ.સી.ડી.એસ.ની કામગીરીમાં થતો ભેદભાવ દૂર કરી તમામ કર્મચારીઓને સમાન જવાબદારી આપવી.
ટેકનોલોજી સુવિધાઓ: 5ૠ નેટવર્ક સાથે સ્માર્ટ મોબાઈલ ઉપલબ્ધ કરાવવા અને પોષણ ટ્રેકર સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવી.
નિયમિત ભરતી: આંગણવાડી વર્કર અને હેલ્પર માટે નિયમિત ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવી.
નાસ્તા અને ઈન્સેન્ટિવમાં વધારો: નાસ્તાની રકમ અને અન્ય ઈન્સેન્ટિવમાં વધારો કરી તેની સમયસર ચુકવણી કરવી.
પગાર અને પ્રમોશન: આંગણવાડી વર્કર બહેનોને સુપરવાઈઝર પદ પર પ્રમોશન માટે ઉંમરની મર્યાદા દૂર કરવી અને પગાર વધારવો.
અન્ય કામગીરીઓ બંધ કરવી: આઈ.સી.ડી.એસ. સિવાયની અન્ય તમામ કામગીરીઓ બંધ કરવી.
આંગણવાડીની બહેનોએ પ્રાંત કલેક્ટરને વિનંતી કરી છે કે જો તેમની માંગણીઓનો સત્વરે સ્વીકાર નહિ થાય તો તેઓ આગળની રણનીતિ અંગે વિચારણા કરશે.