મુસ્લિમ-દલિત સમાજે મામલતદારને આપ્યું આવેદન, કાયદો રદ કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ધ્રાંગધ્રા શહેરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ અને દલિત સમાજે સંયુક્ત રીતે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલી બાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું કે UCC મુસ્લિમ પર્સનલ લોને સમાપ્ત કરી દેશે. સાથે જ નવો વકફ કાયદો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના અધિકારો છીનવી લેશે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં UCCનો અમલ ન કરવામાં આવે અને વકફ કાયદો રદ કરવામાં આવે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એક સમાન કાનૂની માળખું સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે. પરંતુ તે ભારતના બંધારણીય મૂલ્યો અને વિવિધ સામાજિક-કાનૂની પરંપરાઓની વિરુદ્ધ છે. વ્યાપક સર્વસંમતિ વિના UCCનો અમલ ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાને જોખમમાં મૂકી શકે છે. નવા વકફ કાયદા 2025ને લઈને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમોની શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે. તે મુસ્લિમોની નાગરિકતા અને ધાર્મિક સ્થળો પર અતિક્રમણ કરે છે.