હજારો બહેનો જ્યુબિલી ગાર્ડન ખાતે ઉમટી; અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી અને શોષણ સામે સરકારને આપી ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારના મહિલા-બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ હેઠળ પાયાની કામગીરી બજાવતી 1.45 લાખ આંગણવાડી અને આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નો મુદ્દે ગઈકાલે રાજકોટ ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. 2022 થી અપાયેલા વચનો અને માર્ચ 2025માં મુખ્યમંત્રી સાથેની રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા, ગઈકાલે તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની બહેનોએ રાજકોટ કલેક્ટર કચેરીએ જઈ પોતાની વેદના ઠાલવી હતી.
અંગત મોબાઈલથી કામના બોજ સામે વિરોધ આંદોલનકારી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વગર જ પરાણે અંગત ફોનથી ડિજિટલ કામગીરી કરાવવામાં આવે છે. કામના અતિશય ભારણ અને ઉપરના અધિકારીઓના માનસિક દબાણને કારણે કાર્યકરોની સ્થિતિ કફોડી બની છે. આઠ જેટલા કેન્દ્રીય બજેટ પસાર થયા છતાં આ બહેનોને વેતન વધારામાં અન્યાય થયો હોવાનો રોષ ગઈકાલની રેલીમાં જોવા મળ્યો હતો. કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત બપોરે 12:00 વાગ્યે જ્યુબિલી ગાર્ડન ખાતે એકત્ર થયેલી બહેનોની રેલીનું નેતૃત્વ સીટુ (ઈઈંઝઞ)ના અરૂણભાઈ મહેતા, સંગીતાબેન રાવલ અને રંજનબેન સાંગાણીએ કર્યું હતું. કલેક્ટર મારફત મુખ્યમંત્રી, નાણામંત્રી અને મહિલા-બાળ વિકાસ મંત્રીને આવેદનપત્રો પાઠવી માંગ કરવામાં આવી હતી કે આગામી ગુજરાત બજેટમાં તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે. આ સાથે જ તમામ ધારાસભ્યોને પણ પત્રો પાઠવી વિધાનસભામાં અવાજ ઉઠાવવા વિનંતી કરવામાં આવી હતી.
મુખ્ય રજૂઆતો અને માંગણીઓ
1 લાંબા સમયથી પડતર લઘુત્તમ વેતનની માંગણી સંતોષવી.
2 ડિજિટલ કામગીરી માટે તાત્કાલિક નવા મોબાઈલ આપવા.
3 કામના નામે અપાતી ધાક-ધમકીઓ બંધ કરવી.
4 આગામી બજેટમાં આ બહેનો માટે આર્થિક ફાળવણી કરવી.



