કાર્યક્રમ તા. 22ને રવિવારના રોજ સાંજે 4 કલાકે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા છ વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી લાડકી દીકરીઓનો લગ્નોત્સવ વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજવામાં આવે છે. ચાલુ સાલ 2024માં ફરી એક વખત વહાલુડીના વિવાહનો સાતમો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ કાર્યક્રમો પૈકીના એક અતિઅગત્યનો કાર્યક્રમ એટલે દીકરીને શીખ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી તા. 22 ને રવિવારના રોજ સાંજે 4 કલાકે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં જાણીતા વક્તા અને મોટીવેશનલ સ્પીકર ડો. પ્રદિપભાઈ જોબનપુત્રા દીકરીઓને સાંસારિક જીવનમાં ઘરને સ્વર્ગ કેમ બનાવી શકાય એ માટે અનેરી શીખ આપશે.
- Advertisement -
આજે પશ્ર્ચિમીકરણના આંધળા અનુકરણ સામે સહનશક્તિના અભાવના કારણે, સમજણના અભાવે નાની-નાની બાબતોમાં દાંપત્યજીવન તૂટવાના અનેક પ્રસંગો જોવા મળે છે ત્યારે ત્યાગ, સમર્પણ અને બલિદાનનો અદ્ભુત પાત્ર દીકરી વિભક્ત કુટુંબને બદલે સંયુક્ત કુટુંબની ભાવના સાથે જોડાઈ પોતાના સાસુ-સસરાને માતા-પિતા ગણી તેની સેવા કરે અને એક આદર્શ નારીનું રૂપ ધારણ કરે એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન દીકરાનું ઘર દ્વારા પ્રતિ વર્ષ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ડો. ભદ્રાયુભાઈ વચ્છરાજાની, ડો. શૈલેષભાઈ સગપરીયા, ડો. જ્યોતીબેન રાજ્યગુરુ, ડો. જ્વલંતભાઈ છાયા જેવા વક્તાઓના સેમિનાર યોજાઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વખત દીકરીના બંને પરિવારની હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે.