નાના-નાના દબાણ દૂર કરતી મનપાને જમ્બો દબાણ કેમ નથી દેખાતું?, સરગમ ફૂડ સામે કડક પગલાં લેવામાં કમિશનરની ઘોર ઉદાસીનતા
મ્યુનિસિપલ કમિશનર પગલાં લેશે કે ફક્ત વાતો જ કરશે?
બિલખા પ્લાઝામાં સરગમ ફૂડે પોતાનું ઘર બનાવી લીધું છે જેના વિશે ખાસ ખબરે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને વાત કરતા જણાવ્યું કે, આ બાબતની કંઈ ખબર જ નથી. અને હું ડે. કમિશનર એ.કે.સિંહ સાથે વાત કરી લઉં છું. અને જે કાયદેસર કાર્યવાહી થશે તે કરીશું તેવી ખાતરી પણ આપી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પગલા લેશે કે, અન્ય અધિકારીની જેમ ફક્ત આશ્વાસન આપીને સંતોષ માનશે.
- Advertisement -
સરગમ ફૂડ વિરુદ્ધ ઈખઘ, ગૃહ મંત્રાલયમાં અરજી, મહાપાલિકામાં ચાર વખત અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં
ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’માં બિલખા પ્લાઝામાં થયેલા દબાણ વિશે સતસવીર અહેવાલ પ્રકાશિત કરાયા છે. બિલખા પ્લાઝામાં રેસ્ટોરાં ધરાવતા જીજ્ઞેશ ધ્રુવે પણ અનેક વખત મનપાને રજૂઆત કરી છે. છતાં પણ હજુ તેની કોઈ અસર દેખાઈ નથી રહી. બિલખા પ્લાઝામાં સરગમ ફૂડ દ્વારા ભયંકર રીતે ગંદકી ફેલાવાઈ રહી છે. સરગમ ફૂડએ બિલખા પ્લાઝાના પાર્કિંગમાં ઓટલો બનાવી રેકડી, ફ્રિજ અને રસોઈનો બીજો સામાન ખડકી દીધો છે અને ફૂડ ટેબલ ગોઠવી પાર્કીંગ સ્પેસનો પણ રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગ કરે છે. આ અંગે ખાસ-ખબરમાં અહેવાલો પ્રકાશિત કરાયા હતા અને જીજ્ઞેશ ધ્રુવે મહાપાલિકામાં પણ અવાર-નવાર રજૂઆતો કરી હોવા છતાં તેનો ઉકેલ નહીં આવતાં હવે મુખ્યમંત્રી ઓફીસ અને ગૃહ મંત્રાલયમાં અરજી કરી છે.
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને આરોગ્ય શાખા આમ તો સતત એક્ટિવ રહેતી હોય છે દરરોજ આ શાખાઓ દબાણ હટાવીને અને ખાણી પીણીની પેઢીને ત્યાં ત્રાટકીને દંડ વસૂલી રહી છે ત્યારે કસ્તુરબા રોડ પર આ બન્ને શાખાને સરગમ ફૂડ ન દેખાઈ…? તે આશ્ર્ચર્ય પમાડનારું છે.
- Advertisement -
દબાણ હટાવ શાખા જ્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજે ત્યારે નાનામાં નાના દબાણને પણ છોડતી નથી. જ્યારે પણ ચેકિંગમાં નીકળે ત્યારે રોડ રસ્તા પર પર બેઠેલા નાના વેપારી અને શાકભાજીવાળા જોવે ત્યારે ખેદાન મેદાન કરી નાખે છે. અરે એ તો ઠીક દબાણ માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ઓટલા, રેકડી, છાપરા ઉડાડી દે છે. ત્યારે આ જ મહાનગરપાલિકાને સરગમ ફૂડ્સનું મોટું દબાણ કેમ નથી દેખાતું. શહેરના કસ્તુરબા માર્ગ પર આવેલા બિલખા પ્લાઝાને જાણે સરગમ ફૂડે બાનમાં લીધું હોય તેમ બિલ્ડિંગની પાર્કિંગની જગ્યા પચાવી પાડી છે અને બેફામ ગંદકીઓ, જમવાનો એંઠવાડ સહિતના પ્રશ્ર્ને રાજકોટ મહાનગરપાલિકાને બિલખા પ્લાઝાના કેટલાક મિલકત ધારકોએ અરજી કરીને ગેરકાયદે ખડકલો દૂર કરવા માટે રજૂઆત કરી છે.
બિલખા પ્લાઝાની વાત કરીએ તો ત્યાં ઘણી બધી ઓફિસો તથા મિલકતો આવેલી છે. જેના મુલાકાતીઓએ તેમના વાહન બહારની બાજુ પાર્ક કરવા પડે છે. સરગમ ફૂડે માર્જિનની જગ્યામાં પણ ખોદકામ કરેલું છે. પાર્કિંગમાં ગ્રીલ પણ લગાવી દેવામાં આવી છે. જેથી બિલખા પ્લાઝાના એન્ટ્રી ગેટ પર સરગમ ફૂડે કબજો જમાવી આસપાસની ખુલ્લી જગ્યામાં રેસ્ટોરન્ટ માટે સિટીંગ સ્પેસ ઉભુ કરી દેવાયું છે. સરગમ ફૂડના લીધે બિલખા પ્લાઝામાં ગંદકી અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એટલું જ નહીં સરગમ ફૂડમાં મફત નાસ્તા કરવાની લાલચે કેટલાક મિલકત ધારકો આ સરગમ ફૂડને સમર્થન આપી રહ્યા છે.
સરગમ ફૂડના સંચાલકો બિલ્ડિંગના મિલકતધારકોને પણ પાર્કિંગ કરવા દેતા નથી. અને તેમની દાદાગીરી એટલી છે કે, અન્ય ફાસ્ટફૂડ કે ખાણીપીણીના ધંધાર્થીને અહીં ટકવા દેતા નથી. યેનકેન પ્રકારે હેરાન કરીને ત્યાંથી ભગાડી મુકે છે. સરગમ ફૂડ દ્વારા કોઈ પાર્કિંગની કે અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હોય તેના દબાણને કારણે કસ્તુરબા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાય છે. બિલખા પ્લાઝા અને આસપાસના વિસ્તારના રહીશોથી લઈ સૌ કોઈ સરગમ ફૂડની ગેરકાયદે દબાણ કરી ચોરી પર સીનાજોરીની દાદાગીરીથી તોબા પોકારી ઉઠ્યા છે. સરગમ ફૂડના મોટા નામ સાથે થતા ખોટા કામ પર તંત્રની તવાઈ જરૂરી છે. તેની વિરુદ્ધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક અરજીઓ કરવામાં આવી છે છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી તેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સમગ્ર મામલે અંગત રસ દાખવી કડક પગલાં ભરે તે જરૂરી છે.