રોગચાળાને નાથવામાં તંત્ર નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા અવારનવાર રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને રોગચાળો ન ફેલાય તે માટે આસામીઓને નોટીસ પાઠવવામાં આવે છે ત્યારે તંત્ર રોગચાળાને નાથવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેવું શહેરીજનોમાં ચિત્ર ઉપસ્યું છે. શિયાળાની જમાવટ થઈ રહી છે ત્યારે ઘરે-ઘેર તાવ, ઉધરસ, શરદી, ઝાડા-ઉલ્ટી, મેલેરીયા, ડેંગ્યુ, ટાઈફોઈડ સહિતના રોગચાળો ફેલાયો છે. આ ઉપરાંત અઠવાડીયામાં 1 કોરોનાનો કેસ નોંધાયેલ છે.
મનપાની આરોગ્ય શાખા દ્વારા સતત રોગચાળાને નિયંત્રિત કરવા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. જેમાં પોરાનાશક કામગીરી હેઠળ 12,347 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા 1449 ઘરોમાં ફોગીંગની કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ મીનાક્ષી સોસા., વાલકેશ્ર્વર સોસા., અરવિંદ મણીયાર કવા. વસંત મારવેલ વિંગ એબીસી આસપાસના વિસ્તારમાં, રેલનગર, લક્ષ્મીવાડી, કોઠારીયા કોલોની, શ્યામ પાર્ક, જ્યોતિપાર્ક, હંસરાજનગર, રૈયા મુક્તિધામ, ગંગોત્રી પાર્ક, શ્રીનાથજી પાર્ક, રાધે પાર્ક, પરસાણા સોસા.,ગુંદાવાડી વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.
ડેંગ્યુ રોગચાળાને અટકાવવા માટે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો માટે 491 આસામીઓને ત્યાં તપાસ કરવામાં આવેલ છે જેમાં રહેણાંકમાં 281 અને કોમર્શિયલ 51 આસામીઓને નોટીસ ફટકારવામાં આવેલ છે.
રાજકોટમાં ઘરે-ઘરે શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કેસો: રોગચાળો વકર્યો
