રાજકોટની સ્ટર્લિંગ-સારથી-ઓલમ્પસ સહિતની 16 હોસ્પિટલમાં મચ્છરનાં લારવા મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ચોમાસુ નજીક હોય મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અને મચ્છરની ઉત્પત્તિ રોકવા બે દિવસથી ઠેર-ઠેર ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જ્યાં લોકો સારવાર લેવા જાય છે તેવી હોસ્પિટલો જ રોગચાળાનું ઘર બની હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 150 કરતા વધુ હોસ્પિટલોની તપાસ કરવામાં આવતા સ્ટર્લિંગ, સારથી, ઓલમ્પસ સહિતની 16 જેટલી મોટી હોસ્પિટલોનાં સેલર અને અગાસીમાંથી મચ્છરનાં લારવા મળી આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. અને આ તમામ હોસ્પિટલોને નોટિસ ફટકારી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી દ્વારા જણાવાયું હતું કે, મેલેરિયા શાખા દ્વારા દરવર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરભરની વિવિધ સરકારી – અર્ધસરકારી બિલ્ડીંગોમાં મચ્છરની ઉત્પત્તિ રોકવા ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેમાં મેલેરિયા ટીમ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. સાથે જ્યાં મચ્છરનાં પોરા મળી આવે ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે. અત્યાર સુધીમાં શહેરની 142 હોસ્પિટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 16 હોસ્પિટલોમાં મચ્છરનાં ઉત્પત્તિસ્થાનો મળી આવતા નોટિસ ફટકારી છે.
આગામી દિવસોમાં ફરીથી આ હોસ્પિટલોમાં સ્થળ મુલાકાત કરવામાં આવશે. અને ફરીવખત પણ ત્યાંથી મચ્છરનાં લારવા મળશે તો વહીવટી ચાર્જ તરીકે તેમની પાસેથી દંડ પણ વસુલવામાં આવશે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી હોવાથી ત્યાં પણ ચેકીંગ કરવામાં આવતું હોય છે. તેમજ સિવિલ અધિક્ષકને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ સિવાય મલેરિયા વિભાગની ટીમો દ્વારા સિવિલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ અગાસી સહિતની તમામ જગ્યાએ ચેકીંગ કરવામાં આવશે. આ સિવાય સરકારી સંસ્થાના સેનેટરી ઇન્સપેક્ટરને મચ્છરની ઉત્પત્તિ રોકવા માટેની ખાસ તાલીમ પણ આપવામાં આવે છે. આવા સ્થળેથી પણ જો મચ્છરનાં લારવા મળી આવે તો તેને નોટિસ ફટકારી ફરી મુલાકાત લેવામાં આવે છે. અને જો ફરી વખત પણ લારવા મળે તો કાયદાની જોગવાઈ મુજબ વહીવટી ચાર્જ વસુલવામાં આવશે.
- Advertisement -
18 હોસ્પિટલમાંથી બ્રીડ મળ્યા
મલેરિયા વિભાગના વૈશાલીબેન રાઠોડે જણાવ્યું હતું કે, હાલ ચોમાસુ નજીક છે. અને જૂન મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાતો હોવાથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં વાહક નિયંત્રણ સંદર્ભે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્રણેક દિવસમાં 150 જેટલી હોસ્પિટલમાં આ ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 18 હોસ્પિટલમાંથી બ્રીડ મળ્યા છે. નિયમ મુજબ પ્રથમ વખત આ હોસ્પિટલોને નોટિસ અપાઈ છે. અને બ્રિડિંગ નાબૂદ કરવામાં નહીં આવે તો આગળ દંડની કાર્યવાહી કરાશે.
જે જગ્યાએ દર્દીઓ સાજા થવા આવે તે જગ્યાએ જ અન્ય રોગ ફેલાવતા મચ્છરો મળી આવવા ખરેખર ગંભીર બાબત છે. ત્યારે હોસ્પિટલનાં સંચાલકોએ પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.