કેરીના બગીચાના ગામોમાં ચાર ટીમ ખેડૂતોને સાથે રાખી વિગતો મેળવી રહી છે: બાગાયત અધિકારી પ્રિતીબેન ગોહેલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકમાં સતત બીજા વર્ષે પણ નાશ પામેલ કેસર કેરીના પાકનું ફરીથી રેન્ડમ સર્વે કરી બાગાયત વિભાગ દ્વારા તમામ ગામોમાંથી વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ થતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોએ બાગાયત વિભાગની કામગીરીને આવકારી છે.
- Advertisement -
આ અંગેની વિગત એવી છે કે તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક સતત બીજા વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ના કારણે બળી ગયો છે..આ વર્ષે તો કેસર કેરીના પાકને અકલ્પનીય નુકસાન થયું હોય ખેડૂતો દ્વારા નાશ પામેલ કેરીના પાક નું વળતર આપવા ઠેરઠેરથી માંગણી કરવામાં આવી પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સહાનુભૂતિ ને બદલે આળસ રાખતા કેરીના ઉત્પાદક કિસાનોમાં ઉગ્ર રોષ ફેલાયેલ..કિસાનોની સાચી માંગણી ને વાંચા આપી સરકાર સુધી કેરીના ઉત્પાદક કિસાનો નો અવાજ પહોંચાડવા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તથા વિવિધ રાજકીય પક્ષોના કિસાન અગ્રણીઓ તથા વિવિધ ગામના સરપંચો મારફત તાલાલા માં સાસણ રોડ ઉપર આવેલ બાગાયત સંશોધન કેન્દ્ર ઉપર ધરણાં શરૂ કર્યા હતા.
જ્યાં સુધી કિસાનો ના નાશ પામેલ કેરીના પાકનો ખેડૂતોને સાથે રાખી ફરીથી સર્વે કરી કિસાનોને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી સુત્રોચ્ચાર સાથે ધરણાં ચાલુ રાખવાની ચીમકી આપી કિસાન અગ્રણીઓએ સંશોધન કેન્દ્રમાં અડીંગો જમાવતા તાલાલા દોડી આવેલ ગીર સોમનાથ બાગાયત અધિકારીએ કિસાનોની વ્યથા ત્રણ દિવસમાં સરકાર સુધી પહોંચાડવા ધરતીપુત્રોને ધરપત આપતા ત્રણ દિવસ પૂરતા ધરણાં નો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવેલ..આ દરમિયાન આજે સવારથી બાગાયત વિભાગ દ્વારા કેસર કેરીના પાકની ખેડૂતોને સાથે રાખી રી-સર્વેની કામગીરી શરૂ થઈ છે.
તાલાલા બાગાયત અધિકારી પ્રીતિબેન ગોહિલે આપેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના કેસર કેરીના બગીચા વાળા તમામ ગામોમાં ખેડૂતોને સાથે રાખી કેરીના બગીચાની મુલાકાત લઈ પાકની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.બાગાયત વિભાગની ચાર ટીમો આ કામગીરી કરી રહી છે.દરેક ગામમાં અલગ અલગ બે થી ત્રણ દિશામાં આવેલ કેરીના બગીચાની મુલાકાત લઈ સરકારે આપેલ ફોર્મેટ પ્રમાણે કિસાનો પાસેથી વિગતો મેળવી ફોર્મમાં કિસાનોની સહીઓ લેવામાં આવી રહી છે.સર્વે કરી રહેલ ટીમો ગત વર્ષે અને તેના આગલા વર્ષે કેરીનો કેટલો પાક થયો હતો તેની પણ વિગતો મેળવી રહી છે.તાલાલા પંથકના બાગાયત વિસ્તારવાળા તમામ ગામોમાંથી કેરીના પાકની એકત્ર થયેલ વિગતો સાથે અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે તેમ બાગાયત અધિકારી પ્રીતિબેન ગોહિલે જણાવ્યું હતું.