ફળ, શાકભાજી અને મરી-મસાલાના ઉત્પાદનમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લામાં બાગાયતી ખેતીના વિકાસને વેગ આપવા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી, વર્ષ 2024-25 દરમિયાન કુલ રૂ. 899.2 લાખની માતબર સહાય ચૂકવવામાં આવી છે. નાયબ બાગાયત નિયામક દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, જેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લો બાગાયતી પાકોના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
- Advertisement -
આ સહાયનો મોટો હિસ્સો રૂ. 578.17 લાખ ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટિંગ અને પેકિંગ એકમો, નવા વાવેતર, પ્લાસ્ટિક મલ્ચિંગ, મિની ટ્રેક્ટર, પાવર ટીલર અને ડ્રીપ ઇરિગેશન જેવી સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત, પાણીના ટાંકા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગના સાધનો અને નિકાસ માટે હવાઈ નૂરમાં પણ નાણાકીય સહાય આપવામાં આવી છે. આર્થિક સહાય ઉપરાંત, 268 જેટલા ખેડૂતોને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે તાલીમ પણ આપવામાં આવી છે, જે તેમને આધુનિક ટેકનોલોજી અપનાવવા સક્ષમ બનાવશે. વર્ષ 2024-25માં જિલ્લામાં કુલ 58168 હેક્ટરમાં બાગાયતી પાકોનું વાવેતર થયું હતું. આ વ્યાપક સહાય અને તાલીમ કાર્યક્રમો દ્વારા જૂનાગઢના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે.