રાજકોટ રૂરલ LCB ત્રાટકી: રાજકોટના હબીબ ઠેબા તથા વીરનગરના અજીત ભોજકે મયુર જાગાણીની વાડીમાં જૂગારીઓ ભેગા કર્યા’તા
ઝડપાયેલામાં 26 રાજકોટના: એકાદ દિવસથી જ વાડી ભાડે રાખી જૂગારધામ ચાલુ કર્યાનું સુત્રધારનું રટણ : એસપી જયપાલસિંહ રાઠોડની રાહબરીમાં કામગીરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલના સુલતાનપુર પંથકના કમરકોટડા ગામમાં એક વાડી ભાડે રાખી રાજકોટના જંગલેશ્વરના શખ્સે વિરનગરના શખ્સ સાથે મળી ભાગીદારીમાં ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કર્યો હોવાની બાતમી પરથી રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી સુત્રધાર એવા બે ભાગીદાર સહિત 28 શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતાં ઝડપી લઇ લાખોની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એક બે દિવસથી જ એક વાડી ભાડે રાખી આ જૂગારધામ શરૂ કરાયું હોવાનું રટણ ઝડપાયેલા સુત્રધારોએ કર્યુ છે. પકડાયેલાઓમાં રાજકોટના 26 અને જામનગરના 02 શખ્સો સામેલ હોવાની વિગતો સામે આવી છે.
રૂરલ એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ, પીએસઆઇ ડી. જી. બડવા અને ટીમ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની સુચના અનુસાર પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કમરકોટડા ગામે આવેલી મયુર છગનભાઇ જાગાણીની વાડીમાં ઘોડીપાસાના જૂગારનો પાટલો મંડાયો છે અને મોટી સંખ્યામાં જૂગારીઓ રમવા માટે ભેગા થયા છે.
બાતમીના આધારે રૂરલ એલસીબીની ટીમ ત્રાટકી હતી. વાડીમાંથી 28 શખ્સો ઘોડીપાસાનો જૂગાર રમતાં ઝડપાઇ ગયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ રૂા. 16 લાખ 36 હજારની રોકડ કબ્જે કરવામાં આવી છે. રાજકોટ જંગલેશ્વરના હબીબ અલીભાઇ ઠેબા અને વિરમગામના અજીત ભીમભાઇ ભોજકે ભાગીદારીમાં આ જૂગારધામ ચાલુ કર્યુ હતું.સુત્રોના જણાવ્યા અનુસાર જે ઝડપાયા છે તેમાંથી 26 જેટલા રાજકોટના છે અને બે જામગનરના છે. તમામના નામો સહિતની વિગતો હવે જાહેર થશે