મહિલાનો ચમત્કારિક બચાવ, ફાયરજવાનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના મફતીયાપરા વિસ્તારમાં ગઇકાલે રાત્રે ગેસની નળી લીકેજ થવાથી ભયાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ આગમાં સદનસીબે કોઈ જાનહાની તો થઈ નથી, પરંતુ મકાનની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ છે. બનાવની વિગત એવી છે કે ગઈકાલે રાત્રે આશરે 11:15 વાગ્યે પોરબંદર શહેરના મફતીયાપરાના ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલા એક મકાનમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. ટૂંક સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે મકાનમાં રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. મહિલાઓએ સમયસૂચકતા બતાવી તુરંત પોતાને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા, જે તેમના માટે ચમત્કારિક બચાવ સાબિત થયો. આગની જાણ થતાં જ પોરબંદર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયરજવાનોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જો કે આગ એટલી ભયાનક હતી કે આખું મકાન બળી ગયું અને અંદરની તમામ ઘરવખરી રાખમાં પરણાઈ ગઈ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જે સ્થાનિકો માટે રાહતભરી વાત છે. જોકે, મકાન માલિકનું મોટું આર્થિક નુકસાન થયું છે. ફાયર વિભાગે તમામ નાગરિકોને ગેસના વપરાશ વખતે પૂરતી સાવચેતી રાખવા અને લીકેજ અથવા ગંધ આવે ત્યારે તુરંત કાયદેસર પગલાં લેવા અપીલ કરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઘર અને રેસિડેન્શિયલ ઈમારતોમાં ગેસ સલામતીના મહત્વ પર પ્રકાશ પાડ્યું છે.