પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ત્રણેય આર્મી બેકગ્રાઉન્ડના; શિસ્ત અને ઝડપથી કામ થવાની પ્રજામાં આશા
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
દ્વારકા તાલુકામાં ફરજ બજાવી રહેલા ત્રણ ઉચ્ચ અધિકારીઓનું તેમના માજી સૈનિકના યોગદાન બદલ દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એક જ તાલુકામાં પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ) એમ ત્રણેય પદો પર ભારતીય સેનાના માજી સૈનિકો ફરજ બજાવી રહ્યા હોય તેવો આ અનોખો યોગાનુયોગ છે.
જેમાં પ્રાંત અધિકારી તરીકે અમોલ આવટે, મામલતદાર તરીકે અનિલકુમાર ભેડા અને તાલુકા વિકાસ અધિકારી તરીકે રાણાભાઈ વી. ઓડેદરા પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ ત્રણેય અધિકારીઓ ભારત ભૂમિની રક્ષા માટે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમની નૈતિકતા, અનુશાસન અને બહાદુરીના ગુણોને ધ્યાનમાં રાખીને, દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા સરકીટ હાઉસ, દ્વારકા ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ પત્રામલભા માણેક અને માજી સૈનિકો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તાલુકાની પ્રજામાં એવી આશા જાગી છે કે સૈનિકોના અનુશાસન અને નીતિમત્તાના કારણે હવે તેમના કામો વિના વિલંબે અને ઝડપથી પૂર્ણ થશે.



