૧ લાખ એપ ડાઉનલોડ કરાવવાના સંક્લ્પ સાથે એક અઠવાડિયાનો સઘન પ્રવાસ – ભુપતભાઇ બોદર
જે ગામમાં સૌથી વધુ એપ ડાઉનલોડ થઇ હશે તે ગામને પ્રમુખ ભુપતભાઈ બોદર પોતાના તરફથી પ૧,૦૦૦ રૂપિયા તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટનું મળશે ઇનામ
પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા “પોતાના ખર્ચે” લોકોના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જે આજના કળયુગમાં અન્ય રાજકારણીઓ માટે દીવાદાંડીરૂપ મશાલ છે.
મંગળવાર તારીખ ૬ જુલાઇ ૨૦૨૧ સવારે ૧૦ કલાકે રાજકોટ જિલ્લા પંચાયતના સતત કાર્યશીલ પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા “ડિજિટલ ઇન્ડિયા”ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના છેવાડાના લોકો સુધી સીધો સંવાદ સાધવા અને તેમને જોઇતી માહિતી અને પ્રશ્નોના જવાબ ઘેર બેઠા જ મળી જાય, સમય અને નાણાંનો ફાયદો થાય તેવા ઉમદા સેવાના હેતુથી “પ્રજાના પ્રશ્નો” નામની મોબાઈલ એપ “સ્વ ખર્ચે” બનાવવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં પહેલીવાર કોઈ જિલ્લા પંચાયત દ્વારા આવી એપ બનાવવામાં આવેલ છે અને તેનું શ્રેય કર્મવીર પ્રમુખ ભુપતભાઇ બોદરના શિરે જાય છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના તમામ ૫૯૫ ગામોમાં આ મોબાઇલ એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે પ્રત્યક્ષ સમજાવવા માટે રાજકોટ જિલ્લા પંચાયતથી પ્રમુખ બોદરના “સ્વ ખર્ચે” ખાસ ૧૧ ટેક્નિકલ ટીમ 11 ગાડીઓમાં એક અઠવાડિયાના પ્રવાસ પર આજરોજ નીકળેલ છે જેને રાજકોટના માનનીય સંસદ મોહનભાઇ કુંડારીયા એ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાનની શુભ શરૂઆત કરાવેલ હતી. આ ટીમ દરેકે દરેક ગામમાં જશે અને ગ્રામ્ય લોકો અને તમામ આગેવાનો / અધિકારીઓને એપની ઉપયોગીતા સમજાવશે અને જણાવશે કે આ એપ દ્વારા જિલ્લા પંચાયતની, રાજ્ય સરકારની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ પ્રકારની સહાય યોજનાઓ અને ગ્રાન્ટની માહિતી પણ મેળવી શકાય છે.
- Advertisement -
ગ્રામ્ય લોકો આ એપનો ઉપયોગ કરતાં શીખે અને તેનો ફાયદો મેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા પ્રમુખ બોદર દ્વારા સ્પર્ધા જાહેર કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં જે ગામમાં સૌથી વધુ એપ ડાઉનલોડ થઇ હશે તે ગામને એટલેકે પ્રથમ નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા પ૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપશે. બીજા નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા ૨૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ અને ત્રીજા નંબરે આવનાર ગામને પ્રમુખ બોદર પોતાના તરફથી રૂપિયા ૧,૦૦૦ તેમજ જિલ્લા પંચાયતની ૧,૦૦,૦૦૦ રૂપિયાની સ્વભંડોળ ગ્રાન્ટ ગામના વિકાસ માટે આપશે. આ ઉપરાંત દરેક ગામના વી સી ઈ (કોમ્પ્યુટર ઓપરેટર) ને એક એપ ડાઉનલોડ કરાવવાના પ્રોત્સાહન રૂપે એપ દીઠ પાંચ (૫) રૂપિયા પોતાના ખર્ચે આપવાનું પ્રમુખ ભુપતભાઇ બોદરે જાહેર કર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા “પોતાના ખર્ચે” લોકોના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જે આજના કળયુગમાં અન્ય રાજકારણીઓ માટે દીવાદાંડીરૂપ મશાલ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિવિધ શાખા ચેરમેન સહીત આગેવાનો જોડાયા હતા.