પંડિતોને ફરી ખીણ વિસ્તારમાં સ્થાપિત ના કરી શકીએ ત્યાં લગી આ લોકશાહી અધુરી જ ગણાય!
– કિન્નર આચાર્ય
(નોંધ : લેખક-પત્રકાર કિન્નર આચાર્ય દ્વારા આ લેખ થોડા સમય અગાઉ લખવામાં આવેલો હતો, આજે જ્યારે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈ સર્વત્ર કાશ્મીરી પંડિતો અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે આ લેખ સંપૂર્ણત: પ્રસ્તુત છે)
વગર વાંકે પોતાનું ઘર-વતન છોડી અને ભાગવું પડે તેના જેવી બીજી કોઇ વ્યથા નથી હોતી. કાશ્મીરી પંડિતોને શ્રીનગર અને ખીણ વિસ્તાર છોડીને જે રીતે નાસવું પડ્યું હતું એ આપણાં કહેવાતા મહાન સૈન્ય માટેનો કાળો દિવસ હતો, શું આપણી પાસે એટલી પણ શકિત નહોતી કે, આપણે પંડિતોનું રક્ષણ કરી શકીએ? અને ખીણ વિસ્તારમાંથી એક વખત નિરાશ્રીત થયા પછી જમ્મુમાં રેફયુજીની છાવણીમાં તેઓ જે રીતે રહે છે-એ વિષય રાષ્ટ્રીય શરમનો છે! આવા જ એક પંડિત પરિવારના સંતાન અને જાણીતા પત્રકાર, રાહુલ પંડિતએ એક પુસ્તક લખ્યું છે: ‘અવર મૂન હેઝ બ્લડ કલોટસ’ નામના આ પુસ્તકમાં એ ઘટનાઓનું જે વર્ણન છે તે કોઇપણ સંવેદનશીલ વ્યકિતને ધ્રુજાવી દે તેવું છે. દેશ આખો પંડિતો સાથે થયેલા ઘોર અન્યાયને વિસરી ચૂકયો છે ત્યારે આ પુસ્તક ફરી એક વખત આપણને એ અહેસાસ કરાવે છે કે, પંડિતોને ફરી ખીણ વિસ્તારમાં સ્થાપિત ના કરી શકીએ ત્યાં લગી આ લોકશાહી અધુરી જ ગણાય! પ્રસ્તુત છે આ પુસ્તકના ધ્રુજાવી દેતા અંશો…
19 જાન્યુઆરી, 1990નો એ દિવસ એકદમ ઠંડો હતો. ઘેરા વાદળોની પાછળ ઢંકાયેલો સુરજ વાદળોને ચીરીને બહાર આવવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ ઠંડીનું મોજું તેને ગાંઠતું ન હતું. બપોરના સમયે પડોશના દોસ્તો સાથે હું ક્રિકેટ રમ્યો. અમારામાંથી બધાએ જડા સ્વેટર અને ફેરન (બંડી જેવું કાશ્મીરી વસ્ત્ર) પહેર્યા હતાં. હું કાયમ મારૂં ફેરન ઉતારી રસોડા પાસે આવેલા મારા ગાર્ડનમાં ટાંગી દેતો. રમીને ઘેર પાછું આવવું હોય ત્યારે ઘરની અંદર જતા પહેલા, મમ્મીની ખીજથી બચવા અચૂક એ પાછું પહેરી લેતો. મમ્મીને લાગતું કે, એ નહીં પહેરૂં તો મને ઠંડી લાગી જશે. એ મને કહેતી, ’આજુ-બાજુના લોકોને લાગશે કે, હું મારા બાળકોની સારી રીતે સંભાળ પણ લઇ શકતી નથી.’
- Advertisement -
એ સાંજે પાવર સપ્લાય ન હતો. એટલે જ અમે બહુ વહેલા સાંજનું ભોજન લઇ લીધુ હતું. લાઇટ ન હોવાના કારણે ટેલીવિઝન પણ જોઇ શકાય તેમ ન હતું. પિતાએ રાબેતા મુજબ રેડિયો પર ન્યૂઝ બુલેટિન સાંભળી લીધું. રાત્રે અમે જ્યારે પથારીમાં પડ્યા કે તરત જ લાઇટ આવી ગઇ અને અમે ઘસઘસાટ ઉંઘી ગયા.
અડધી રાત્રે મને કંઇક ચિત્ર-વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા. હું બહુ ડરી ગયો હતો. મને લાગ્યું કે બધું ઠીકઠાક નથી. અહેસાસ થયો જાણે બધુ બદલાઇ જવાનું છે. હું ઉભો થયો, બારીની બહાર નજર નાંખી તો બહાર કેટલાંક પુરૂષોનો પડછાયો દેખાયો. ધીમે-ધીમે તેઓ બધા દિવાલ કુદી અમારા વરંડામાં આવી ગયા હતાં. તેઓ બહુ મોટી સંખ્યામાં હતાં. ઉભા થઇને મેં જોયુ ત્યારે અમારા ઘરમાં સો વોલ્ટનો બલ્બ બળી રહ્યો હતો. સામાન્ય રીતે રાત્રે અમારા ઘેર ઝીરો વોલ્ટનો બલ્બ ચાલુ રહેતો. મારા પિતા મને ઢંઢોળી રહ્યા હતાં. તેઓ સતત એક વાકય બોલી રહ્યા હતાં: ’કંઇક ગરબડ ચાલે છે.’ અમે કાન માંડ્યા તો ખ્યાલ આવ્યો કે, શેરીઓમાં અનેક લોકો આંટા મારી રહ્યા હતાં અને બહુ ઉંચા સાદે કશુંક બોલી રહ્યા હતાં. લાગ્યું કે, બહાર કંઇ મોટી ઘટના બની રહી છે. શું તેઓ અમારો મોહલ્લો સળગાવી દેવાની વેતરણમાં હતાં. થોડી વારમાં અમારા કાને એક સાયરન જેવો અવાજ સંભળાયો. એ અવાજ મસ્જિદના લાઉડ સ્પીકરમાંથી આવી રહ્યો હતો. આમ તો અમે દરરોજ અઝાનના સમયે મુએઝીનનો આવો અવાજ સાંભળવા ટેવાયેલા હતાં. પણ સામાન્ય રીતે આ વ્હીસલ બહુ ટુંકા સમય માટે ચાલતી. પણ એ રાત્રે એ બંધ થવાનું નામ નહોતી લેતી.
મુએઝીનએ માઇક પરથી કશું કહ્યું નહીં. અમને લાગ્યું કે, કશુંક ભયંકર થવા જઇ રહ્યું છે. અમારા મહોલ્લામાં થતો અવાજ હવે મહદ અંશે શમી ગયો હતો પણ મસ્જીદમાં લોકો જોર-જોરથી કશીક વાતો કરી રહ્યા હતાં. લાગ્યું કે તેઓ કોઇ વાત પર દલીલો કરી રહ્યાં છે. થોડી વારમાં મારા કાકાનો આખો પરિવાર મારા ઘરે પહોંચ્યોે. તેમણે મારા પિતાને પૂછ્યું કે, આ શું થઇ રહ્યું છે. પિતાએ કહ્યું, કશુંક ચાલી રહ્યું છે. લાગે છે કે, તેઓ કશુંક કરવા જઇ રહ્યાં છે. થોડી વાર પછી મસ્જિદના લાઉડ સ્પીકર પરથી કાન ફાડી નાંખે તેવા અવાજે કોઇએ કહ્યું ‘નારાએ તકબીર, અલ્લાહો અકબર!’
મેં મારા પિતા તરફ જોયું. તેમના ચહેરા પર ગભરાટ હતો. તેમનો ખ્યાલ હતો કે, પેલા સૂત્રનો અર્થ શો થાય છે. મેં પણ એ સૂત્ર ભીષ્મ સાહનીની 1947ના ભાગલા આધારીત નવલકથા પરથી બનેલી ફિલ્મ તમસમાં સાંભળ્યુ હતું. ફિલ્મમાં મુસ્લિમ હુલ્લડકારો જ્યારે હિન્દુ વસ્તીઓ પર હૂમલા કરે છે ત્યારે આ સૂત્ર બોલાતુ હોય છે. એક પ્રકારે એ યુદ્ધનું એલાન હતું. થોડીક ક્ષણોની અંદર તો ચોતરફથી અમારા કાને યુદ્ધની ઘોષણાઓ સંભળાવવા લાગી. અમારા પર જાણે ઝેરીલા તીરનો વરસાદ વરસી રહ્યો હોય એવી એ સ્થિતિ હતી. નારા સંભળાઇ રહ્યા હતાં:
‘હમ કયા ચાહતે હૈ: આઝાદી!’
‘એ ઝાલીમો, એ કાફીરો કશ્મીર હમારા છોડ દો.’
- Advertisement -
ગણતરીની પળોમાં જ ટોળામાંના બધા લોકો પાસે એક-એક મકાન આવી ગયુ હતું, કોને કઇ છોકરીઓ જોઇએ છે એ પણ તેઓએ નક્કી કરી લીધુ હતું…
થોડી વારમાં સૂત્રોનો અવાજ ઓછો થયો. અન્ય એક મસ્જિદ પરથી એક રેકોર્ડેડ ગીત વગાડવામાં આવી રહ્યુ હતું. અફઘાનિસ્તાન પર સોવિયેતના કબ્જા સામે મુજાહિદ્દીનોને યુદ્ધની પ્રેરણા આપતું આ ગીત આખું વાગી ગયું એ પછી ફરી એક વખત જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ થયા. અમને હજુ સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે. પણ સૂત્રોચ્ચાર સાંભળ્યા પછી એ બાબતે કોઇ શંકા નહોતી કે શું થવા જઇ રહ્યું છે. મને યાદ છે કે મારી માં આ સૂત્રો સાંભળીને કોઇ પાંદડાની માફક ધ્રૂજી ઉઠી હતી.
‘અસ્સી ગચ્ચી પાનુ નુઇ પાકિસ્તાન, બતાવ રોસટુઇ બતૈની સાન’ પેલું ટોળુ કાશ્મીરને પાકિસ્તાન બનાવવા માંગતુ હતું. એક એવો પ્રદેશ જેમાં પંડિત પુરૂષો તો ન હોય પણ પંડિતની સ્ત્રીઓ હોય. અમને લાગ્યું કે, તેઓ હમણાં જ આવી અમને ખત્મ કરી નાંખશે. લાગતું હતું કે, હવે માત્ર થોડી પળોનો જ સવાલ છે. માં એકદમ જ રસોડા તરફ ધસી ગઇ અને ત્યાંથી એક મોટું ચપ્પુ લઇ આવી. એ મારા નાનાનું આપેલું ચપ્પુ હતું. એ જોરથી ચિલ્લાઇ: ’જો તેઓ અહીં આવશે તો હું તેમને મારી નાંખીશ. અને પછી મારી જાતને પણ ખત્મ કરી નાંખીશ. અને તમને બેને ખ્યાલ છે કે તમારે શું કરવાનું છે.’ પિતા તેની સામે એકધારૂં તાંકી રહ્યાં. માંની વાત પર તેમને વિશ્વાસ નહોતો. અમે બહુ ગભરાયેલા હતાં, ખ્યાલ નહોતો કે શું કરવું. અમે કયાં ભાગીશું એ પણ ખ્યાલ નહોતો. શું મારી માં ખરેખર પોતાની જાતને ખત્મ કરી નાંખશે. મારી બહેનનું શું થશે.
મારી આખી જિંદગીની ઝલક જાણે મારી સામેથી એક મુંગી ફિલ્મની માફક પસાર થવા લાગી. બહેન સાથે વિતાવેલું બાળપણ યાદ આવવા લાગ્યું. એની સાથે કેવું રમ્યો હતો અને ટીચર-ટીચર રમવું તેને હંમેશા કેવું ગમતું હતું, અઘરા સ્પેલીંગવાળા અંગ્રેજી શબ્દો એ મને કેવી રીતે શીખવતી!
મને તેની લાલ રીબીન યાદ આવી. મને યાદ આવ્યું કે, સ્કૂલના બંધ દરવાજાની નીચેથી પિતાના જુતાની એક ઝલક જોવા પણ એ કેટલી રાહ જોતી હતી. મને એ વાતનું સ્મરણ થયું કે મને હેરાન કરતા એક દોસ્ત પર તેણે ડસ્ટરનો કેવો ઘા કર્યો હતો. એ વાતનું પણ સ્મરણ થયું કે, અમે જ્યારે ફળીયામાં રમી રહ્યા હતાં ત્યારે રવિની મમ્મી હાથમાં પોપટનું પાંજરૂ લઇ આવી ત્યારે હું ગેઇમ અધૂરી છોડી કેવો ભાગ્યો હતો! ફરી એક વખત વિચાર આવ્યો: શું માં તેને પર છરી મારી દેશે? અને પોતાની જાતને પર?
બીએસએફવાળા જરૂર કંઇક કરશે, મારા કાકાએ કહ્યું. પણ કોઇએ કંઇ જ કર્યુ નહીં. આખી રાત સૂત્રોચ્ચાર ચાલતા રહ્યાં. મોટી-મોટી ટોર્ચના શેરડાઓ આખી રાત અમને દેખાતા હતાં. લોકો કશુંક શોધી રહ્યાં હતાં. શું બીએસએફ કંઇ વોચ રાખી રહ્યું હતું. તેમને આ ગાંડપણને રોકયું કેમ નહીં. પરોઢીયા સુધી પેલા સૂત્રો સંભળાતા રહ્યાં. અમે આખી રાત જાગ્યા હતાં. સુર્યને પહેલું કીરણ નિહાળ્યું ત્યાં સુધી બધા એકબીજા સામે જોતા રહ્યાં. મને વચ્ચે એક ઝોકુ આવી ગયું. પણ જ્યારે હું ઉઠ્યો ત્યારે બાકીના બધા એમ જ હજુ હેબતાઇને બેઠા હતાં. માં હજુ પેલું ચાકુ હાથમાં ઝાલીને બેઠી હતી.
પેલા પાગલ ટોળાએ સવારે થોડો વિરામ લીધો. એ દિવસે જ્યારે પ્રભાત થયું ત્યારે હું જેટલો ખુશ હતો તેટલો જિંદગીમાં કયારેય નથી થયો. એ સૂર્યોદયએ અમને આશાનું એક કિરણ આપ્યું. અને અમારામાં સલામતીની ઉમ્મીદ જગાવી. પાછળથી મને ખ્યાલ આવ્યો કે, આવું માત્ર અમારા મહોલ્લામાં જ નહોતું બન્યું, આખી કાશ્મીર ખીણમાં એક જ સમયે આવી ઘટનાઓ બની હતી. એ એકદમ સુનિયોજીત અને વેલ પ્લાન્ડ કૃત્ય હતું, અમને નર્કમાં ધકેલી દેવા માટેનું.
થોડા સમય પછી એક વહેલી સવારે અમે અમારૂં ઘર છોડી ભાગી નીકળ્યા. અમે અમારા માસીના ઘેર આશરો લીધો હતો. તેમનું ઘર સેનાની છાવણીની નજીક હતું. અને એ વિસ્તાર સલામત હતો. પિતાએ આખો દિવસ રેડિયો પર સમાચાર સાંભળવામાં ગાળ્યો. પરંતુ સ્ટેટ રેડિયો અને ટેલિવિઝનમાં આ ઘટના વિશે કોઇ જ સમાચાર નહોતા. એકમાત્ર બીબીસી રેડિયો આ ઘટનાક્રમનું સાચું ચિત્ર રજૂ કરી રહ્યું હતું. તેમના અહેવાલો પરથી એક વાત સ્પષ્ટ હતી કે, ખીણની પરિસ્થિતિ હવે કાબૂ બહાર હતી.
એકાદ અઠવાડિયુ વિત્યું હશે. પિતા એકદમ ચિંતિત અને અજંપાભરી સ્થિતિમાં હતાં. તેઓ ઘેર પાછા ફરવા માંગતા હતાં. મારી બહેનને અમે માસીને ત્યાં મૂકી અને હું, માં અને પિતા ઢળતી બપોરે ઘેર જવા ચાલી નીકળ્યા. ત્યાં જઇને જોયું તો તમામ પડોશીઓ ભાગી છૂટ્યા હતાં. આખો વિસ્તાર જાણે રેગીસ્તાન જેવો ભાસતો હતો. રાઝદાન જતા રહ્યા હતાં, ભાણ અને મટુ પણ ચાલ્યા ગયા હતાં. અમારી શેરી જાણે કોઇ ભૂતિયા ગલી જેવી લાગતી હતી. કોઇ આત્મા પણ ત્યાં નજરે ચડે તેવુ ન હતું. અમે કોઇ લૂંટારૂની માફક છાનામાના અમારા ઘરમાં ઘૂસ્યા. નવેળાના કિચન ગાર્ડનમાં થઇ પાછળના દરવાજેથી ઘરની અંદર પ્રવેશ કર્યો. અંદર જતા વેેંત જ પિતાએ ચેક કરી લીધું કે, મેઇન ડોરનું તાળું બરાબર છે કે નહીં. પિતાએ મને એકપણ લાઇટ ઓન નહીં કરવા માટે અને એકપણ બારીના પડદા નહીં હટાવવા માટે સૂચના આપી. અમને તેમણે કહ્યું કે, અમારે એકદમ ધીમા અવાજમાં વાત કરવીે. ડર થોડો ઓછો લાગે તે માટે પિતાએ પોતાના સ્ટાફમાંથી એક સતિષ નામના યુવકને ઘેર બોલાવી લીધો હતો.
થોડી ક્ષણો સુધી એકદમ ખામોશી છવાઇ ગઇ, વળતી પળે જાણે મારા કાનના પડદા ફાટી ગયા હોય તેવો પ્રચંડ અવાજ થયો…
સતિષ હજુ હમણાં જ પરણ્યો હતો. તથા હું અને પિતા બડગામમાં તેના લગ્નમાં પણ ગયા હતાં. સતિષ પોતાના પરિવારને જમ્મુ લઇ ગયો હતો. અમે રૂમની સીડી પાસે બેઠા-બેઠા જ પ્રર્વતતી રહેલી સ્થિતિ વિશે વાતો કરતા હતાં. સતિષએ અમને કહ્યું કે, આખી ખીણમાં કેવી રીતે પંડિતોની કત્લેઆમ થઇ રહી છે.
અચાનક જ અમે બહાર અટ્ટહાસ્ય થતું હોય તેવો અવાજ સાંભળ્યો. કોઇએ કંઇક કમેન્ટ કરી અને ફરી બધા ખડખડાટ હસવા લાગ્યા. પિતા બારી નજીક ગયા, એક ઉંડો શ્વાસ લઇ જરા પડદો હટાવ્યો. હું પણ બારી નજીક તેમની પાસે છૂપાઇને ઉભો હતો અને કાન સરવા કરીને અમે બહાર થતી વાતો સાંભળી રહ્યા હતાં. શેરીમાં આવેલી અમારી ડેલી નજીક છોકરાઓની એક ટોળકી ઉભી હતી. તેમાંના કેટલાંક સિગારેટ પી રહ્યાં હતાં. એમાંના મોટાભાગના લોકોને હું ઓળખતો હતો. તે બધા જ અમારા પડોશી પરિવારમાંથી આવતા હતાં. કિતને પાસ, કિતને દૂર! એમાંના ઘણાં લોકો સાથે હું ક્રિકેટ રમતો હતો. તેમનો રીંગ લીડર એક છોકરો હતો જે અમારી સાવ નજીક રહેતો હતો. એક છોકરાએ પોતાના કઝીન વિશે વાત કરતા કહ્યું કે, ’એ તો રોકેટ લોન્ચર ઓપરેટ કરવાની ટ્રેનીંગ પણ મેળવી ચૂકયો છે!’ તેનો એ કઝીન હવે એક ત્રાસવાદી જૂથની સાથે જ હતો.
ટોળામાંનો એક છોકરો બોલ્યો, ચલો! આ બધા મકાનોની વહેંચણી કરી લઇએ! અકરમ, તારે કયુ મકાન જોઇએ છે.
એક મકાન તરફ આંગળી ચિંધી અકરમ બોલ્યો, મારે આ મકાન જોઇએ છે. ’કમીના.’ બીજો એક છોકરો બોલ્યો અને કહ્યું, તું મકાન તેમની દિકરી સમેત પચાવી જઇશ તેવું તને લાગે છે. એના વાકયથી ફરી એક વાર તેઓ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. અકરમ એવા ખેલ કરવા લાગ્યો હતો જાણે એ પેલી છોકરીની ઉપર બળાત્કાર કરી રહ્યો હોય અને આવી એકશન થકી એ ચરમસીમા સુધી પણ પહોંચ્યો. હું એક ખુણામાં મારા પિતાની નજીક ઉભો હતો. એટલે સ્પષ્ટ જોઇ શકયો કે, પિતાના પગ રીતસર ધ્રુજવા માંડ્યા હતાં.
ગણતરીની પળોમાં જ ટોળામાંના બધા લોકો પાસે એક-એક મકાન આવી ગયુ હતું. કોને કઇ છોકરીઓ જોઇએ છે એ પણ તેઓએ નક્કી કરી લીધુ હતું. અકરમએ રીંગ લીડરને પૂછ્યું, હેં ખોજા, તે તો કહ્યું જ નહીં કે તારૂં કયુ મકાન જોઇએ છે. રીંગ લીડરએ ફેરન પહેર્યુ હતું, તેના એક હાથમાં ક્રિકેટ બેટ હતું અને બીજા હાથમાં સિગારેટ ઝાલી તે ઉંડા કસ ફેંકી રહ્યો હતો. ટોળામાંના બધા લોકો ખોજાની સામે જોઇ રહ્યા હતાં. તે એક તરફ ફર્યો અને એક મકાન તરફ આંગળી ચિંધી કહ્યું: ’હું આ મકાન રાખીશ.’ તેણે અમારા મકાન તરફ આંગળી ચિંધી હતી. પિતાના ધ્રુજતા હાથમાંથી પડદાનો ખુણો છટકી ગયો અને તેઓ ત્યાં જ બેસી ગયા. તેમણે આંખ બંધ કરી દીધી હતી અને તેઓ આખા થર-થર ધ્રુજી રહ્યા હતાં. બહારથી મેં અવાજ સાંભળ્યો. ’ તારી પસંદ બહુ સારી છે ખોજા! બહુ સારી પસંદ.’
થોડી ક્ષણો સુધી એકદમ ખામોશી છવાઇ ગઇ. વળતી પળે જાણે મારા કાનના પડદા ફાટી ગયા હોય તેવો પ્રચંડ અવાજ થયો. ટોળામાંના કોઇએ અમારા પડોશી રાઝદાનના ઘર કાચ ફોડી નાંખ્યા હતાં. ઝામી ગયેલા ઠંડાગાર વાતાવરણ વચ્ચે કાચનો એ અવાજ વાતાવરણમાં ચોમેર ફેલાઇ ગયો. ડરના માર્યા કબુતર ઉડી ગયા અને શ્વાનોની એક ટોળકી જોરજોરથી ભસવા લાગી. એક જણનો અવાજ આવ્યો. તે આવું કરીને અકરમનું નુકસાન કર્યુ છે. હવે તેણે નવો કાચ નખાવવો પડશે.
ફરી એક વખત આકાશને ચીરતું અટ્ટહાસ્ય.
થોડી વારમાં તેઓ સૌ ત્યાંથી રવાના થવા લાગ્યા. તેમનો અવાજ સંભળાતો બંધ થયો ત્યારે ફરી પાછી ડરામણી શાંતિ પથરાઇ ગઇ હતી. કબુતર તેના માળામાં પાછા ફર્યા તે અવાજ પણ અમે સ્પષ્ટ સાંભળી શકયા હતાં. પિતાએ કહ્યું, ’બધું ખતમ થઇ ગયું. હવે આપણે અહીંયા કોઇ સંજોગોમાં નહીં રહી શકીએ.’ માં ઝડપભેર કોઠારરૂમમાં ગઇ અને ત્યાં હંમેશા જે જગ્યાએ મુકતી એ જગ્યાએથી થોડી મીણબતીઓ લઇ આવી. મીણબતીના ઝાંખા અજવાળે માંએ અમારા સૌ માટે વઘારેલા ભાત બનાવ્યા. જમવા માટે કોઇને હોંશ પણ નહોતા અને ભુખ પણ નહોતી. વહેલા-વહેલા અમે ચૂપચાપ રહી જેમ-તેમ ખાઇ લીધું. હું એટલો ગભરાયેલો હતો કે, પેટમાં જાણે કશુંક ગંઠાતુ હતું. સતીષને ઠંડી લાગી રહી હતીે. પિતાએ તેને અંદરના રૂમમાં રહેલા લાકડાના મોટા કબાટમાંથી સ્વેટર લઇ લેવા કહ્યું. હું તેની સાથે ગયો. એ જ્યારે સ્વેટર શોધતો હતો ત્યારે પોતાના પેન્ટના ગજવામાંથી સિગારેટનું એક પેકેટ કાઢી ઝડપભેર એક સિગારેટ સળગાવી. જાણે એટલા લાંબા કશ ખેંચ્યા કે, ત્રણ-ચાર કશમાં તો આખી સિગારેટ પી ગયો. સિગારેટ ઠારી તેણે ઠુઠુ ત્યાં ફેંકયું. સ્વેટર પહેરી જ્યારે એ રૂમ બહાર ચાલ્યો ગયો તો ઠુઠુ મેં ફરી સળગાવ્યું અને શકય તેટલા કશ ખેંચ્યા. મને થયું કે, સિગારેટના કશ કદાચ મને થોડો શાંત કરી શકશે.
પિતાએ અમને કહ્યું કે, બીજા દિવસે વહેલી સવારે અમારે ઘર છોડી નીકળી જવું પડશે. એ રાત્રે અમે ઉંઘી ન શકયા. અમે આખી રાત માત્ર પડી રહ્યાં. માંએ રાબેતા મુજબ પોતાની પડખે ટોર્ચ રાખી હતી. પિતા ગભરાયેલા સ્વરે સતીષ સાથે વાતો કરી રહ્યા હતાં. મધરાત્રે અમને લાગ્યું કે, કોઇ વંડી કૂદીને અમારા વરંડામાં ઘૂસ્યું છે. બધા સફાળા જાગી ઉઠ્યા. પડદામાંથી જોયું તો ખ્યાલ આવ્યો કે, કબૂતરએ ઉપરના ભાગેથી એક ઇંટનો ટૂકડો પાડ્યો હતો-એ અવાજ તેનો જ હતો.
વહેલી સવારે હિમવર્ષા શરૂ થઇ ગઇ હતી. રસ્તાઓ ઉપર બરફ પથરાઇ ગયો હતો અને તેના કારણે રસ્તા લપસણા બની ગયા હતાં. પિતાએ કહ્યું કે, સૌ પહેલા બહાર જઇને જોઇ લેશે કે અત્યારે ઘર છોડવું સલામત છે કે કેમ? મેં તેમનો હાથ પકડ્યો, અમે બેઉ શેરીમાં આવ્યા. બહુ ધીમેથી તેમણે ઘરની ડેલી બંધ કરી. અચાનક જ ઝાડુ જેકેટ પહેરેલો એક દાઢીધારી અમને દેખાયો. તેને જોતા જ પિતાએ મારો હાથ એકદમ જોરથી પકડી લીધો. તેમણે એવો દેખાવ કર્યો જાણે અમે ઘરમાં કશુંક ભૂલી ગયા હોય. ઘરમાં આવતાની સાથે જ તેમણે ઘરના તમામ દરવાજા બંધ કરી દીધા.
થોડો સમય વિત્યો હશે કે, અમે બધા ઘરની બહાર નીકળ્યા. અમારા ભુરા રંગના દરવાજા પર કોઇ એક કાગળ ચોંટાડી ગયુ હતું. એ એક હિટલીસ્ટ હતું. ઉર્દુમાં છપાયેલા એ લખાણ ઉપર મોટા અક્ષરે જેકેએલએફ (જમ્મુ-કાશ્મીર લીબરેશન ફ્રન્ટ) છપાયેલુ હતું. તેમાં પંડિતો માટે ચેતવણી હતી કે, તેમણે ખીણ છોડીને તાત્કાલીક ચાલ્યા જવું. ચોપાનીયામાં દસ વ્યકિતના નામ પણ લખેલા હતાં અને લખ્યું હતું કે, આ દસેયની જેકેએલએફ હત્યા કરશે. મેં કેટલાંક નામો વાંચ્યા. તેમાંના કેટલાંક અમારા પડોશી હતાં. પિતાને મેં કહ્યું કે, અમારે આ વિશે કૌલ સાહેબને વાત કરવી જોઇએ. હું અને મારા પિતા કૌલ સાહેબના ઘર તરફ રીતસર દોડ્યા. આગલી સાંજે કૌલ સાહેબએ મારા પિતાને કહ્યું કે, ’પંડિત સાહેબ તમે ચિંતા ના કરો. હવે ટૂંક સમયમાં જ આર્મી આવશે અને બે મહિનામાં બધુ બરાબર થઇ જશે.’ આજે અમે તેમના ઘર ભણી ધસી રહ્યા હતાં. ફળીયામાં પ્રવેશતા વેંત જ મને ખ્યાલ આવ્યો કે, ઘણાં અઠવાડિયાઓથી ઘરની સાર-સંભાળ લેવાઇ નહોતી, ઘરની ડેલી પણ ખુલ્લી હતી. અંદર જોયું તો મેઇન ડોર પર તાળુ હતું. મારા પિતાએ કહ્યું કે, કૌલ સાહેબ કદાચ અંદર હોવા જોઇએ. બહુ ધીમા સ્વરે તેમણે કૌલ સાહેબના નામનો સાદ દીધો. કોઇ પ્રત્યુત્તર ન મળ્યો. કદાચ તેઓ ઘર છોડી ગયા હતાં. અમે ઝડપભેર પાછા આવ્યા. માં અને સતીષ અમારી રાહ જોઇ રહ્યા હતાં. માંએ શકય તેટલી વસ્તુઓના પોટલા બાંધી લીધા હતાં. તે ઉંચકીને અમે સડસડાટ ભાગી નીકળ્યા.
ડેલી પાસે મારા પિતા ક્ષણભર માટે રોકાયા, પાછુ ફરીને તેમણે અમારા મકાન પર એક નજર નાંખી, ઘર છોડવા તેઓ મક્કમ હતાં પણ તેમની આંખમાં આંસુ હતાં.
ડેલી પાસે મારા પિતા ક્ષણભર માટે રોકાયા. પાછુ ફરીને તેમણે અમારા મકાન પર એક નજર નાંખી. ઘર છોડવા તેઓ મક્કમ હતાં પણ તેમની આંખમાં આંસુ હતાં. માં શાંત હતી. સતીષ મારી બાજુ પર ઉભો હતો. કોઇ એક શબ્દ પણ બોલ્યા નહીં. જો કોઇના ઘર પાસે શ્વાન ભસે તો અમારે ત્યાં એવું બોલવાનો રિવાજ હતો, ’યેત્તી ગચ્છ યેત્તી ચુઇ ઘર દિવતા.’ મતલબ હે કમનસીબી, અહીંથી દૂર ચાલી જા, આ ઘર તેના દેવતાઓ દ્વારા રક્ષિત છે.
તેમને એક બુઢ્ઢા માણસની લાશ તેના ફટેહાલ ટેન્ટમાંથી મળી આવી હતી. તેના ગાલ પાસે ઠંડા દૂધની એક થેલી હતી. બેવતન થયા પછી અમારો એ પહેલો જૂન હતો. અમારા માટે ત્યાંનો તાપ અસહ્ય હતો. તેમના એક પડોસીને સૌપ્રથમ આ વૃદ્ધ માણસના મૃત્યુ વિશે ખ્યાલ આવ્યો હતો. જ્યારે તેમણે વૃદ્ધનો મૃતદેહ જોયો ત્યારે પડખે રેડિયો ચાલુ હતો અને તેમાં એક ગીત વાગતુ હતું: ’આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ…’
જેમનું મૃત્યુ થયું એ ત્રિલોકીનાથ અમારા પરિવાર માટે અજાણ્યા ન હતાં. તેમના પુત્ર અને મારા પિતા સારા મિત્ર હતાં. કાશ્મીર ખીણમાં તેમનો જન્મ અને જેલમના કાંઠે ઉછેર. હવે એ રહ્યા ન હતાં. જમ્મુમાં વહેતી એક કેનાલ નજીક ઝડપભેર તેમનો અગ્નિસંસ્કાર નીપટાવી દેવામાં આવ્યો. કોઇએ કહ્યું કે, ખીણ વિસ્તારમાં જ્યાં ત્રિલોકનાથનું ઘર છે તેની પડખે વહેતી ગટર પણ આ કેનાલથી મોટી છે. મૃતક પાછળ મરસીયા ગાવા માટે પણ સ્ત્રીઓને મંજૂરી ન મળી. કારણ કે, ત્રિલોકનાથનો પુત્ર જ્યાં ભાડે રહેતો હતો તેનો મકાનમાલિક માનતો હતો કે, તેના આંગણમાં કોઇ આવા દુ:ખડા ગાશે તો એ તેના માટે અપશુકનિયાળ નીવડશે.
ત્રિલોકનાથના પુત્રનું ઘર એટલે માત્ર એક નાનો રૂમ. થોડા મહિના પહેલા તો એ ગાયોનો અવેડો હતો. હવે તેના પર સિમેન્ટ પાથરવામાં આવ્યો હતો અને રદ્દી બ્લ્યુ ડિસ્ટેમ્પર દ્વારા તેને રંગવામાં આવ્યો હતો. મકાનમાલિકએ એ શરતે રૂમ ભાડે આપ્યો હતો કે, ત્યાં ચાર જણથી વધારે નહીં રહી શકે. વધુ માણસોનો અર્થ હતો, પાણીનો વધુ વપરાશ. પેલો વૃદ્ધ માણસ તેના કુટુંબનો પાંચમો સભ્ય હતો અને એટલે જ એ એકલો મુઠી રેફયુજી કેમ્પમાં રહેતો હતો. જમ્મુના બહારના વિસ્તારમાં આવેલો આ એરીયા ઉજ્જડ જમીનનો એક મોટો ટુકડો હતો જ્યાં મનુષ્ય કરતાં સાપ અને વિંછીની સંંખ્યા વધુ હતી.
અમારા વડવાઓ જ્યાં હજ્જારો વર્ષ રહ્યાં તે ભૂમિ છોડી દેવા માટે અમને મજબૂર કરવામાં આવ્યા હતાં. બેઘર થવાના કારણે અમારામાંના મોટાભાગના લોકો જમ્મુ નજીકની નિરાશ્રીત છાવણીમાં રહેતા હતાં. હું હજુ હમણાં જ 14 વર્ષનો થયો હતો. અમારા પરિવાર સાથે હું એક સસ્તી હોટલના ગંદા રૂમમાં રહેતો હતો. ઘણી વખત અમારે રેફયુજી કેમ્પમાં જવાનું બનતું. અનેક સગાઓ અને મિત્રો ત્યાં જ રહેતા હતાં. પહેલી વખત હું જ્યારે ત્યાં ગયો ત્યારે દુર્ગંધથી મારૂં માથુ ફાટી ગયું. દૈનિક ક્રિયાઓ માટે પણ લોકો કતારમાં ઉભા હતાં. નવા પરિવારો સતત બેઘર બનીને આવી રહ્યા હતાં. ત્યાં તેમના માટે ટેન્ટ લગાવાય ત્યાં સુધી પરિવારોએ વેઇટિંગમાં રહેવું પડતું હતું. મેં જોયું એક બુઢ્ઢી સ્ત્રી ઝાડુ ફેરન પહેરી ભયાનક તાપમાં બેઠી હતી અને હૈયાફાટ રૂદન કરી રહી હતી. પડખે બેઠેલો તેનો પુત્ર પોતાની જાત સાથે વાતો કરતો હોય તેમ કશુંક બડબડી રહ્યો હતો. તાપ તેનાથી સહન નહીં થતો હોય એટલે માથા પર ભીનો ટુવાલ વિંટેલો હતો. એક બપોરે મારા એક દોસ્તને મળવા હું કેમ્પ પર ગયો. એ દિવસે તે સ્કૂલે નહોતો ગયો. કારણ કે, ભયાનક તાપને લીધે તેના દાદીમાની તબિયત બહુ બગડી ગઇ હતી. ત્યાં બેઠા બધા તેને સતત ગ્લુકોઝવાળુ પાણી આપી રહ્યા હતાં. હું અને મારો એક મિત્ર ખુણામાં બેઠા છોકરીઓ વિશે કંઇક વાત કરી રહ્યા હતાં. શોરબકોર બહુ હતો પણ એ ખુણામાં અમને થોડી પ્રાઇવસી મળતી હતી. અમને કોઇ જોઇ શકે તેમ નહોતું-એ ગાય સિવાય જે નજીકમાં બેઠી ઘાસ ચાવી રહી હતી. મારા પગ પાસે કિડીનું એક દર હતું. અમારી વાતચીત ચાલતી હતી ત્યારે અચાનક જ મારો દોસ્ત ઉછળી પડ્યો. એ ભાગવા લાગ્યો અને દોડતા દોડતા મને કહ્યું કે, ’લાગે છે કે, રિલીફ વાન આવી છે!’ ત્યાં લગભગ રોજ એક વખત રિલીફ વાન આવી હતી જે કેરોસીન, બિસ્કીટ, મિલ્ક પાવડર, ચોખા અને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરતી હતી.
અમે જ્યારે કેમ્પના દરવાજા સુધી પહોંચ્યા ત્યારે પહેલેથી જ મોટી કતાર લાગી ચૂકી હતી. પેલી વાન ટમેટા લઇને આવી હતી. મારો દોસ્ત કતારમાં જ્યાં ઉભો હતો તેની પાછળ હું પણ ગોઠવાઇ ગયો. બે માણસો વાનમાંથી થોડા-થોડા માંદલા ટમેટા લઇ નિરાશ્રીતોને વિતરીત કરી રહ્યા હતાં. સાથે-સાથે તેઓ ધક્કા-મુક્કી ન કરવા માટે અને હળવા હાથે ટમેટા લેવા માટે ’ધીરે-ધીરે’ શબ્દનું રટણ કરી રહ્યા હતાં. લોકો મુઠ્ઠીભર ટમેટા લઇ પાછા ફરી રહ્યા હતાં. મેં એક સ્ત્રીને જોઇ જે પોતાના વસ્ત્રમાં છાતી સરસા ચાંપીને ટમેટા લઇ જઇ રહી હતી. થોડી વાર થઇ ત્યાં કતારમાં આગળથી શોરબકોર શરૂ થયો. ટમેટા ખતમ થઇ રહ્યા હતાં. અને બીજી તરફ ઘણાં લોકો હજુ લાઇનમાં ઉભા હતાં. ઝાઝા લોકોને જોઇ હવે તેમણે વ્યકિતદીઠ ત્રણ ટમેટા આપવાનું શરૂ કર્યુ. પાંચ-સાત મિનિટમાં તો ત્રણમાંથી સંખ્યા ઘટીને એક ટમેટા પર આવી ગઇ. હવે તેઓ પ્રતિ વ્યકિત એક ટમેટું આપી રહ્યા હતાં.
કતારમાંના બે વ્યકિતએ કહ્યું કે, ’અમારે ઘેર દસ જણ તો ખાવાવાળા છે. એક ટમેટામાં શું થશે.’ ત્યાં ઉભી હતી એવી એક વૃદ્ધ મહિલાએ વચ્ચે પડીને કહ્યું કે, ’શું હવે આપણે ટમેટા માટે ઝઘડવાનું બાકી રહ્યું છે?’ પેલી સ્ત્રીએ આટલું કહ્યું ત્યાં જ એ સ્થળે શાંતિ પ્રસરી ગઇ.અમારો વારો આવ્યો ત્યાં સુધીમાં નક્કી થઇ ગયું હતું કે, હવે બધાને ટમેટા નથી મળવાના. રિલીફ વાનવાળા પેલા બે શખ્સોમાંથી એક શખ્સએ ખિસ્સામાંથી એક ઠોઠીયુ ચાકુ કાઢી એક ટમેટાના બે ટુકડા કરવા લાગ્યો. હવે તેઓ પ્રતિ વ્યકિત અડધુ ટમેટું આપી રહ્યા હતાં. મને લાગ્યું જાણે હું કોઇ સ્વપ્ન જોઇ રહ્યો છું. પછી થયું કે, કદાચ ગરમ લુના કારણે મારૂ માથું અને દિમાગ ફરી રહ્યાં છે. મને શ્રીનગરનું અમારૂં ઘર યાદ આવ્યું, ત્યાંના કિચન ગાર્ડનમાં અમારે ત્યાં ઉગેલા ટમેટાનો મેં કરેલો બગાડ યાદ આવ્યો. કેટલાં ટમેટા મેં વેડફી નાંખ્યા હતાં. કેટલાંક તો હજુ પાકયા પણ નહોતા ત્યાં છૂંદી નાંખ્યા હતાં. કાશ્મીરી વિલોના મારા બેટ વડે અનેક ટમેટાને સિકસર ફટકારી હતી અને હવે મારા હાથમાં કોઇએ અડધુ ટમેટું મૂકયુ હતું. કતારમાંના બાકીના લોકો અડધુ ટમેટુ લઇ પોતાના તંબુ ભણી જઇ રહ્યા હતાં. મેં મારા દોસ્ત તરફ જોયું. બોલવા જેવું કશું હતું નહીં. અમે બહુ ધીમા પગલે અમારા પ્રાઇવેટ ખુણા તરફ પાછા ફર્યા. બેઉએ પોતપોતાના ભાગનું અડધુ ટમેટુ પેલી ગાયને આપી દીધું.
અમે ત્યારે ચૌદ વર્ષના હતાં. હું હજુ પણ ઘણી વખત એ ક્ષણ વિશે વિચારૂ છું. જો અમે મોટા હોત, પરિવારની જવાબદારી અમારા પર હોત તો અમે પણ કદાચ અડધુ ટમેટુ લઇ લીધું હોત. ચૌદ વર્ષની ઉંમરે અમને એ ખ્યાલ તો હતો કે, અમે રેફયુજી છીએ. પણ અમને એ સમજણ નહોતી કે, અમે કયારેય અમારા ઘેર પાછા ફરી શકવાના નથી.