ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે, કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહ વિભાગે અનેક રાજ્યોને આગામી 7મી મેએ એટલે કે આવતીકાલે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવાનો નિર્દેશ કર્યો છે. ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
- Advertisement -
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મે 2025ના રોજ દેશભરના રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનો આદેશ આપ્યો છે. આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે. આ ડ્રિલનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર કરવાનો છે, જેમાં બંકરોનો ઉપયોગ, કટોકટીની સ્થિતિમાં સલામતીના પગલાં અને આપત્તિ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. LoC પરના ગામોમાં રહેતા લોકો પહેલેથી જ સામુદાયિક બંકરો તૈયાર કરી રહ્યા છે, જે યુદ્ધની આશંકાને દર્શાવે છે.
22મી એપ્રિલે થયેલા આતંકી હુમલાને પગલે ભારત હવે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સંદર્ભે વડાપ્રધાન ખુદ બેઠક પર બેઠકો કરી રહ્યા છે. આજે વડાપ્રધાન અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. મોદી સરકાર અત્યારે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. આ અગાઉ વડાપ્રધાને વાયુસેનાના વડાને મળ્યા હતા અને હવે તેમણે સંરક્ષણ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. વડાપ્રધાનની આ બેઠકો સૂચવે છે કે ભારત પાકિસ્તાન સામે કોઇ મોટુ કદમ ઉઠાવી શકે છે.
ગુજરાતના 19 સ્થળે યોજાશે મોક ડ્રીલ
- Advertisement -
ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.
હુમલાની સાયરન કેમ વાગે છે?
હુમલાની સાયરન આપત્તિ જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે. મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાવાળું સાયરન 2-5 કિમી સુધી સાંભળી શકાય તે રીતે 120-140 ડેસિબલના અવાજ સાથે વગાડવામાં આવે છે. આ સાયરનના અવાજમાં એક સાઈકલીક પેટર્ન હોય છે, જેમાં પહેલા ધીમે ધીમે અવાજ આવે છે અને પછી તે વધતો જાય છે.
ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ મોકડ્રીલ
રવિવારે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 30 મિનિટનો બ્લેકઆઉટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી બધી લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કોઈ વાહનની લાઈટો ચાલુ જોવા મળે, તો તે બંધ કરી દેવામાં આવતી. પોલીસ સંપૂર્ણપણે સતર્ક રહી અને દરેક ચોકડી પર તૈનાત કરવામાં આવી.
કયા જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે?
નાગરિક સંરક્ષણ અધિનિયમ, 1968 સમગ્ર દેશમાં લાગુ પડે છે. તેમ છતાં, આ સંગઠન ફક્ત એવા વિસ્તારો અને ઝોનમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે જે દુશ્મનના હુમલાના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે.
આથી 244 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવાની યોજના બનાવવામાં આવી છે. આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમજ કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ બનવવામાં આવ્યા છે.
હુમલા માટેનું સાયરન વાગે ત્યારે શું કરવું?
જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.