કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે જમાલપુર નિજ મંદિરે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજરી આપશે.
ઓડિશા બાદ ગુજરાતમાં અમદાવાદની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે.
- Advertisement -
ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેશે અમિત શાહ
20 જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ અમિત શાહ જગન્નાથજીના આશીર્વાદ લેવા આવશે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે. મોટાભાગે આવા પ્રસંગે તેઓ સપરિવાર જોવા મળે છે. ત્યારે અમિત શાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.
વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
મંગળા આરતી બાદ તેઓ સવારે 9.15 વાગ્યે ન્યુ રાણીપમાં બગીચાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સવારે 9.30 વાગ્યે ચાંદલોડિયામાં રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.45 વાગ્યે બોડકદેવમાં ક્રેડાઈ ગાર્ડન પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સવારે 11.30 વાગ્યે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.
ભૂપેન્દ્ર પટેલ સાથે કર્યું હતું હવાઈ નિરીક્ષણ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ દિલ્હીથી સીધા ભુજ પહોંચ્યા હતા. અહીં તેઓ બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાની અંગે સમીક્ષા કરી હતી. અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હવાઈ નિરીક્ષણ કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.