જૂનાગઢના પ્રાચીન દામોદર કુંડમાં કરોડો ખર્ચ્યા પણ સ્થિતિ જેમની તેમ
વિશ્ર્વ પ્રસિદ્ધ દામોદર કુંડનો કાયમી ઉકેલ ક્યારે આવશે
- Advertisement -
‘લઘુ કુંભ’ પૂર્વે દામોદર કુંડની સફાઈમાં તંત્રએ આળસ ખંખેરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ગિરનારની ગોદમાં આવેલું અને નરસિંહ મહેતાની ભક્તિથી પાવન થયેલું અતિ પ્રાચીન તીર્થ સ્થળ એટલે દામોદર કુંડ. આ એવું પવિત્ર સ્થળ છે જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના અસ્થિ વિસર્જન અને પિતૃ કાર્ય માટે દેશ-વિદેશથી પધારે છે. શિવરાત્રી મેળો હોય, ગિરનારની લીલી પરિક્રમા હોય કે ભાદરવી અમાસનો પવિત્ર અવસર; દામોદર કુંડમાં સ્નાન અને પીપળે પાણી રેડવાનું અનેરું મહાત્મ્ય છે. પરંતુ, દુર્ભાગ્યવશ આ આસ્થાના કેન્દ્રની હાલની અવદશા જોઈને ભાવિકો અને સ્થાનીકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જૂનાગઢમાં ‘લઘુ કુંભ’ સમાન મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં દેશભરમાંથી સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. જ્યારે મેળો માથે આવ્યો છે, ત્યારે જ છેક જૂનાગઢ મહાનગરપાલિકાના ઊંઘતા તંત્રને દામોદર કુંડની યાદ આવી હોય તેમ જણાય છે. કુંડની અત્યંત ખરાબ હાલત અને કાદવ-કીચડના ઢગલા જોઈને પદાધિકારીઓ દોડતા થયા છે અને અત્યારે તાત્કાલિક ધોરણે કુંડમાંથી કાદવ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા દામોદર કુંડના નવીનીકરણ અને બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે પથ્થરો જડવામાં આવ્યા અને સુવિધાઓ ઉભી કરવાના દાવા કરાયા, છતાં દામોદર કુંડની મૂળભૂત સમસ્યાઓ જેવી કે ગંદકી અને અશુદ્ધ પાણીનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર દેખાડો કરવા માટે જ મેળા સમયે સફાઈ કરે છે, બાકી આખું વર્ષ આ પવિત્ર સ્થળ ઉપેક્ષિત રહે છે. સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન કુંડમાં ભળતા અશુદ્ધ પાણીનો છે. ભવનાથ વિસ્તારના ગટરના ગંદા પાણી અને અન્ય અશુદ્ધિઓ સીધી દામોદર કુંડમાં ભળે છે. જેના કારણે કુંડનું પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે તે પીવા લાયક તો શું, પણ શ્રદ્ધાળુઓ માટે સ્નાન કરવા લાયક પણ રહ્યું નથી. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ સ્થળ પર આવું અશુદ્ધ પાણી જોઈને શ્રદ્ધાળુઓ પૂછે છે કે, કરોડોનો ખર્ચ ક્યાં ગયો? આગામી મહાશિવરાત્રી મેળાને ધ્યાને રાખીને જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, કોર્પોરેટરો ચંદ્રિકાબેન રાખસીયા, વંદનાબેન દોશી દ્વારા દામોદર કુંડની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ મુલાકાતનો હેતુ મેળામાં આવતા સાધુ-સંતો અને યાત્રિકોને સ્નાન અને દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જનતાની માંગ: સફાઈ રોજ હોવી જોઈએ
સફાઈ અભિયાન શરૂ થતા જ ત્યાં હાજર રહેલા ભાવિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું છે કે, આ એક જાગતું તીર્થ છે. અહીં સફાઈ માત્ર મેળા પૂરતી સીમિત ન રહેતા, વર્ષના 365 દિવસ નિયમિત થવી જોઈએ. કુંડમાં શુદ્ધ પાણીનો પ્રવાહ જળવાઈ રહે તે માટે તંત્રએ નક્કર આયોજન કરવું જોઈએ. તંત્ર દ્વારા હાલ તો ખાતરી આપવામાં આવી છે કે શ્રદ્ધાળુઓની સુવિધા માટે સફાઈ અને સ્વચ્છતાની કામગીરી ‘યુદ્ધના ધોરણે’ પૂર્ણ કરવામાં આવશે, પરંતુ શું આ સફાઈ કાયમી ધોરણે જળવાશે કે ફરી મેળો પૂરો થતા જ તીર્થ રામભરોસે મુકાઈ જશે? તે જોવાનું રહેશે.



