હોલિકાદહનનો સમય સાંજે 7-04 વાગ્યા પછીનો રહેશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હોળી નિમિત્તે ઠેર-ઠેર હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીના દિવસે હોલિકાદહનનું ખાસ મહત્ત્વ રહેલું છે. હોલિકાદહન બાદ લોકો પ્રદક્ષિણા કરે છે અને આવનારા વર્ષમાં સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આજે રાજકોટના વિવિધ ચોકમાં હોલિકા પ્રગટાવવામાં આવે છે જેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. તો આવતીકાલે રંગનો પર્વ ધૂળેટીની પણ ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં 400થી વધુ સ્થળે પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવશે. તા. 6 માર્ચથી શરૂ થયેલા 8 દિવસના હોળાષ્ટક કે જે સમયમાં ગ્રહોની શુભ દશા હોતી નથી તેથી શુભ કાર્યો પણ કરવામાં આવતા નથી તે આજે પૂર્ણ થશે. આજ સવારથી પૂનમ તો શરૂ થઈ જાય છે પરંતુ આ વર્ષે ભદ્રા નામનું કરણ જે સવારે 10-35થી શરૂ થઈને રાત્રિના 11.26 વાગ્યા સુધી છે અને ભદ્રાના કાળમાં શાસ્ત્રીજીઓ હોલિકાદહનનું મુહૂર્ત આપતા નથી હોતા જેના કારણે હોલિકાદહનો સમય સાંજે 7-04 વાગ્યા પછીનો રહેશે. જો કે સવારે 10-37થી ભદ્રાનો ઓછાયો શરૂ થશે અને તે રાત્રે 11-28 સુધી રહેશે.
રાજકોટમાં અનેક સ્થળે હોલિકાદહનનું આયોજન: કાલે ધૂળેટી પર્વની ઉજવણી
