ખાસ-ખબર સંવાદદાતા
ફાગણ માસના હિન્દુ તહેવાર હોળી-ધૂળેટીનું શાસ્ત્રોકત દ્દષ્ટિએ અનેરૂ મહત્વ છે સાથે રંગોત્સવનું પણ પર્વ છે. હોલીકા દહનનાં બીજા દિવસે ધુળેટી પર્વમાં નાના-બાળકોથી યુવા વર્ગ સૌ કોઈ અરસપરસ અબીલ-ગુલાલ, કાચા-પાકા રંગ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે.
રાજકોટની સદર બજાર સહિત અનેકવિધ સ્થળોએ હોલસેલ વેપારીઓને ત્યાં જથ્થાબંધ પીચકારી અને કલરના બાચકાથી માંડી નાના-મોટા પેકિંગોમં કલરનો જથ્થો ઉતરવા લાગતા જથ્થાબંધ ભાવના વેપારીઓ પાસેથી નાના છુટક વેપારીઓએ ખરીદી શરૂ કરી છે. બજારોમાં રંગબેરંગી કલર સાથે નાની મોટી પીચકારીનું વેચાણ શરૂ થઈ ચુકયું છે. આગામી સપ્તાહે રીટેઈલ ખરીદી નીકળશે.
- Advertisement -
જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કલરના ભાવમાં કોઈ ભાવ વધારો નથી. પ્લાસ્ટીકવેર પીચકારીની અલગ અલગ રેન્જમાં 25થી 30ટકાનો ભાવ વધારો છે. કલર અને પીચકારીઓના જથ્થાબંધ ઓર્ડરો ગત ડિસેમ્બર પહેલા લખાવ્યા છે છતાં ઓર્ડર મુજબ પુરતો માલ આવતો નથી. આ વર્ષે પ્રોડકટમાં 50 ટકાનો કાપ જોવા મળી રહ્યો છે પરિણામે માલની અછત છે. આ વર્ષે જથ્થાબંધ ઓર્ડરમાં 40 ટકાનો કાપ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. કાચા-પાકા કલરના ભાવોમાં પણ મોટો તફાવત રહેશે. પાણીમાં મિશ્રીત અને કોરા કલરના ભાવમાં પણ મોટો તફાવત છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ છોટા ઉદેપુર, હાથરચ (યુ.પી.)માંથી ઓર્ડર મુજબ માલ નહીં આવતા માલની થોડી તંગી રહેશે. પીચકારીમાં પણ ગન, ટેન્ક, શાહી પીચકારીમાં 30થી 40 ટકાનો ભાવ વધારો હોવા છતા પુરતો માલ આવતો નથી. હાલના દિવસોમાં હોલસેલ માર્કેટ સારૂ છે. આગામી સપ્તાહે રીટેઈલ માર્કેટ પણ સારૂ વીતે તેવી વેપારીઓમાં આશા છે.
- Advertisement -
પ્રિન્સેસ, હલ્ક, છોટા ભીમ, સહિતની પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર
રંગોનો તહેવાર એટલે કે હોળી હોળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે. રાજકોટની બજારોમાં અવનવી પીચકારીઓ આવી ગઇ છે. આ વર્ષે ખાસ કરીને નાના બાળકો માટે મીકી માઉસ, હલ્ક, કાર્ટૂન, બંદૂક, પ્રિન્સેસ, પ્રેસરવાળી ગન, છોટા ભીમ સહિતની પિચકારીઓ દરેક સ્ટોલમાં જોવા મળે છે. જે બાળકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે માર્કેટમાં કાર્ટુનવાળી પીચકારીઓનો ક્રેઝ વધુ જોવા મળે છે. હાલ બજારમાં 10 રુપિયાથી લઇ 1000 રુપિયા સુધીની પીચકારીઓ જોવા મળી રહે છે.