ઠેર-ઠેર લગાવવામાં આવતા મોટા હોર્ડિંગ્સોના કારણે અકસ્માત અને લોકોના જીવ ગયા તો જવાબદાર કોણ?
રાજકોટમાં જાણે હોર્ડિંગ્સનો મેળો લાગ્યો હોય તેવું જોવા મળે છે. જગ્યાએ-જગ્યાએ મોટા મોટા બેનરો લટકાવવામાં આવ્યા છે જેના લીધે સામાન્ય જનતાને ત્યાંથી પસાર થવામાં ભય લાગતો હોય છે. ચોમાસાના આગમન પૂર્વે આ બેનરો લટકતા જોવા મળે છે ત્યારે ચોમાસાના આગમન પછી આવા મોટા મોટા બેનરો વરસાદી વાતાવરણમાં ફુંકાતા પવનના લીધે ઘણી વખત ઊડીને દૂર ફેંકાઈ જતાં હોય છે અને ઘણી વખત અવરજવર કરતાં લોકોને ઈજા પહોંચાડતા હોય છે.
- Advertisement -
રાજકોટમાં આવા બેનરો જગ્યાએ જગ્યાએ જોવા મળે છે. રાજકોટ 80 ફૂટ રોડ પર આવેલ સોરઠીયાવાડી સર્કલ કે જ્યાં એસ.ટી. સ્ટેન્ડમાં લોકો બસ માટે ઉભા રહેતા હોય છે એની ઉપર જ મોટા મોટા બેનરો જોવા મળે છે અને ભક્તિનગર સર્કલમાં પણ જાણે બેનરોનું સામ્રાજય હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી વાતાવરણમાં ઘણી વખત આ બેનરો મોતના સૌદાગરો સમાન દેખાય છે. જગ્યાએ જગ્યાએ જોવા મળતાં આવા બેનરો જીવલેણ છે અને ઘણી વખત આવા બનાવો પણ બનતાં જોવા મળે છે. આ પરિસ્થિતિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. આવા મોટા બેનરો અકસ્માતોને આવકારે છે ત્યારે કોર્પોરેશન દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું.