ગરમીનું જોર યથાવત રહેશે: મહત્તમ તાપમાનના વધારાને બ્રેક લાગશે
પાંચ-પાંચ દિવસના અલગ-અલગ ત્રણ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવ કન્ડિશન સર્જાવા પામી હતી. ગરમીના પ્રકોપથી ત્રાહિમામ બનેલા લોકોને રાહત મળે એવા સમાચાર એ છે કે આજથી હીટ વેવનો એરીયા ઘટી જશે અને માત્ર ઉત્તર ગુજરાત તથા કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારોમાં હીટ વેવ કન્ડિશન ચાલુ રહેશે.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં આજે અને કાલે બે દિવસ માટે હીટ વેવ કન્ડિશન જોવા મળશે. જોકે આમ છતાં સૌરાષ્ટ્રમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેશે. મહત્તમ તાપમાનનો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તેમાં હવે કોઇ વધારો નહીં થાય અને અમુક વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન બે ડિગ્રી જેટલો ઘટાડો થશે.ગઈકાલે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ભુજમાં 43.4, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 42.1, કંડલા એરપોર્ટ પર 42. 2 , નલિયામાં 40 અમરેલીમાં 41.8 અમદાવાદમાં 41.7 ડીસામાં 41.8 ગાંધીનગરમાં 40.8 વડોદરામાં 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન ગાયું હતું.



