દાયકામાં પ્રથમ વખત 600 રૂપિયે મણ
રીંગણ હોલસેલમાં 30 રૂપિયે કિલો વેચાતા ખેડૂતોને લોટરી લાગી
ખાસ-ખબર સંવાદદાતા
આણંદ-ખેડા જિલ્લામાં રીંગણ અને ભડારીંગણની ખેતી તરફ ખેડૂતો છેલ્લાં એક દાયકાથી વળ્યા છે. ભડારીંગણનો ઉતારો વધુ હોવાથી ખેડૂતોને સારો નફો મળે છે. છેલ્લા કેટલાંક વર્ષથી રીંગણનું ઉત્પાદન વધી જતાં બજારમાં જરૂરીયાત કરતાં વધુ માલ આવતો હતો. તેના કારણે ચાલુ વર્ષે રીંગણની ખેતી છોડીને ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા હતા. જયારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં રીંગણની ખેતી સારી થઈ હતી. પરંતુ ડિસેમ્બરમાં થયેલા ચારેક વખતના માવઠાના પગલે પાકને ભારે અસર થઈ હતી. તેના કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.
આણંદ-નડીઆદના હોલસેલના શાકમાર્કેટમાં અગાઉ દૈનિક ચાર ટન માલ આવતો હતો. તેની સામે ચાલુ વર્ષે માંડ દોઢ ટન માલ આવી રહ્યો છે. તેના કારણે રીંગણના ભાવ ઐતિહાસિક સપાટી વટાવીને 600 રૂપિયે મણ સાદા રીંગણ વેચાઈ રહ્યાં છે. ભડારીંગણ રૂપિયા 450ના ભાવે હોલસેલ માર્કેટમાં વેચાઇ રહ્યાં છે. આમ, ઘણા વર્ષો બાદ રીંગણના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.
- Advertisement -
આમ, હાલમાં એક વીઘુ આ વર્ષે દોઢ લાખની આવક આપશે તેમ રીંગણની ખેતી કરનારા ખેડૂતોએ જણાવ્યું હતું. જે દર વર્ષે માંડ 50 હજારની આવક આપતું હતું. છેલ્લા એક દાયકામાં કયારેય પણ રીંગણના હોલસેલ ભાવમાં રૂપિયા 15થી વધુના ભાવે વેચાયા નથી. લગ્નની સિઝનમાં ભાવ સામાન્ય રીતે ઊંચા મળતા હતા. એ સિવાય રીંગણનો ભાવ ક્યારેય સારો મળ્યો નથી. જેના કારણે ખેડૂતોને ખેતી ખર્ચ પણ માંડ માંડ નીકળતો હતો. જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોએ રીંગણની ખેતી ઓછી કરી છે. તેમજ માવઠાના પગલે અન્ય જિલ્લામાં રીંગણના પાકને નુકશાન થતાં આવક ઘટી છે. તેના કારણે કયારેય જોવા મળ્યા ન હોય તેવા ઐતિહાસિક ભાવ રૂપિયા 450 થી 600 રૂપિયે મણ મળી રહ્યા છે.