જૈનોનું આંદોલન સમાધાન તરફ: પાલિતાણા મામલે ગુજરાત સરકાર SIT બનાવશે, જૈનોના તમામ પ્રશ્નો-માંગણીઓ સરકાર ઉકેલવા તૈયાર
ખાસ-ખબર સંવાદદાતા
જૈન સમાજનો રોષ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. એક બાદ એક શહેરોમાં જૈન સમાજ રેલી સ્વરૂપે પોતાનો રોષ પ્રગટ કરી અને સરકાર સમક્ષ પોતાની માગ સ્વીકારવા માંગ કરી રહ્યું છે. જૈન સમાજના આ પ્રશ્ન અંગે મીડિયા દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે. જૈન સમાજના આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે સરકાર આગામી સમયમાં એસઆઈટીની રચના કરશે તેવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે.
- Advertisement -
જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. એને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળને તીર્થસ્થાન તરીકે જાહેર કરે. રેલીમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને જૈનોએ રસ્તો કરી આપ્યો હતો.
સુરતમાં જૈનોની 3 કિ.મી. લાંબી રેલી નીકળી
ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો એને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાંની સાથે જ જૈનોની લાગણી દુભાઈ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કોઈ પર્યટન સ્થળ નહીં, પરંતુ તીર્થસ્થાન છે અને એને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ એવી લાગણી જૈનોની છે. સુરતમાં આજે જૈન સમાજ દ્વારા 3 કિ.મી. જેટલી લાંબી રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુ અહેવાલ પાના નં.2 પર