પોરબંદર પોલીસે મુંબઈના ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરી, કડક પૂછપરછ શરૂ
મુંબઈથી બેલારૂસ ભાગી જવાની ફિરાકમાં હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના કુછડી ગામની એક એનઆરઆઈ મહિલાની પરિવારજનોને ગેરકાયદે રીતે ગોંધી રાખી 70 લાખ રૂપિયાની માંગણી કરવાના મામલે ફરી એક આરોપીની ઝડપી પાડવામાં પોરબંદર પોલીસે સફળતા મેળવી છે. આરોપી વિજય ભીમા ઓડેદરા બેલારૂશ ફરાર થવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે મુંબઈ ખાતે એક ગેસ્ટ હાઉસમાંથી તેની ધરપકડ કરી પોરબંદર લાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ કુછડીની અને હાલ ઈઝરાયેલમાં નિવાસ કરતી લીલુ ઓડેદરાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ફરિયાદ કરી હતી કે, કુખ્યાત મહિલા હિરલબા જાડેજા સહિતના ઇસમોએ તેના પિતા, પુત્ર અને પૂર્વ પતિને ગોંધી રાખી 70 લાખ રૂપિયાની માંગ કરી છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હિરલબા જાડેજાની અગાઉ જ ધરપકડ કરી પોલીસ રિમાન્ડમાં લઈ લેવામાં આવી હતી. હાલમાં હિરલબા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથે જ હિરલબાના સાગરિત હિતેશ ભીમા ઓડેદરાની પણ અગાઉ ધરપકડ થઈ ચુકી છે અને તેની રિમાન્ડમાં પૂછપરછ ચાલી રહી છે.
ત્યારે કેસનો ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરાની લોકેશન માહિતી મળતાં પોલીસે મુંબઈ રવાના થઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય બેલારૂશ નાસી જવાનું પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ પોલીસે સમયસૂચક કાર્યવાહીને આધારે મુંબઈના એક ગેસ્ટ હાઉસમાંથી તેને ઝડપી પાડયો હતો. હવે પોરબંદર લાવી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલી રહી છે.