શહેરીજનો માટે નવરાત્રિની અનોખી પ્રતિકૃતિ
‘માનવતાનો ધર્મ’ ઉંચો રાખવાનું ઉદાહરણ પૂરું પાડતી ગરબી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રૈયા રોડ પર આવેલા જીવનનગર બ્રહ્મસમાજ પાસે આવેલી જીવનનગર પ્રાચીન ગરબીએ તેના 44 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 45મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને અહીં હિન્દુ-મુસ્લિમ બાળાઓ દ્વારા પ્રાચીન ગરબાની પ્રેક્ટિસ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગરબીને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા અને જીગીશાબેન રાવલના માર્ગદર્શન હેઠળ બાળાઓના ત્રણ વિભાગમાં રાસ-ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે. ગરબી સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રહીશોની એકતાને કારણે આ પરંપરા ટકી રહી છે અને અહીં ધર્મ કે જાતિના ભેદભાવ વિના તમામ બાળાઓને સમાન તક આપવામાં આવે છે. આ ગરબીની વિશિષ્ટતા દીવડા, દાંડિયા, ખંજરી, બેડા, ટીપ્પણી, તાલી અને સાડી જેવા પરંપરાગત રાસ છે, જે દરરોજ રજૂ કરવામાં આવશે. આગામી 22મીથી બાળાઓ તેમની કલાનું પ્રદર્શન કરશે. આ ગરબી કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને દર વર્ષે મોટી સંખ્યામાં દર્શકો પરિવાર સાથે હાજરી આપે છે.