હિલોની શેઠે પોતાની પહેલી આવક એક લાખ રૂપિયા દાન કરી સમાજ માટે પ્રેરણા પૂરી પાડી
ખાસ-ખબર સંવાદદાતા
ધર્મ પ્રેમી વીણાબેન કેતનભાઇ શેઠની પુત્રી હિલોની શેઠને તાજેતરમાં કોમર્શિયલ પાઇલોટનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે. ત્યારે સમસ્ત રાજકોટ જૈન સમાજ દ્વારા રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ, સી એમ પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રય ખાતે પૂ. ગુરૂદેવ સુશાંતમુનિ મ.સા.એવમ ગુરુણી મૈયા સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ.આદિ સતિવૃંદના શુભ સાનિધ્યમાં આવતીકાલે સવારે 10 થી 11:15 કલાકે પાઇલોટ હિલોની શેઠનું જાજરમાન અભિવાદન કરવામાં આવશે.
ગોંડલ સંપ્રદાયના અગ્રણી રોયલ પાર્ક જૈન મોટા સંઘ પ્રમુખ ચંદ્રકાન્ત શેઠે જણાવ્યું કે, હિલોની શેઠ રોયલ પાર્ક સંઘની સુપુત્રી છે. તેઓનો સમગ્ર પરિવાર ચતુર્વિધ સંઘની સેવામાં ખડે પગે હાજર હોય છે. હિલોનીના માતૃશ્રી વીણાબેન રોયલ પાર્ક મહિલા મંડળ તથા ડુંગર હીર મહા મહિલા મંડળમાં વર્ષોથી સેવા આપે છે. હિલોનીએ મેળવેલ સિદ્ધિ માટે સમસ્ત જૈન સમાજને ગૌરવ પ્રાપ્ત થયું છે. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું રાષ્ટ્ર સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત લુક એન લર્ન જૈન પાઠશાળામાં હિલોનીએ જૈન દર્શનનું પાયાનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. પાઇલોટ ટ્રેઇનીંગ દરમિયાન હિલોનીએ જૈનત્વને ઝળકાવ્યું છે.
ચંદ્રકાન્તભાઇ શેઠ તથા મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, લંડનમાં હિલોનીએ આર્કિટેક તરીકે જોબ કરી હતી અને આ દરમિયાન વળતર પેટે પહેલી આવકમાંથી એક લાખ રૂપિયા લુક એન લર્ન જૈન પાઠશાળામાં અનુદાન અર્પણ કરી દાન ધર્મનો શુભ સંદર્ભે હિલોનીએ સૌને આપ્યો છે.
શુક્રવારે આયોજીત અભિવાદન સમારોહમાં પૂ. ગુરૂદેવ સુશાંત મુનિ મ. સાહેબ, પૂ. સુમતિબાઇ મહાસતિજી, ડો. અમિતાજી મહાસતિજી તથા જશ-ઉત્તમ-પ્રાણ પરિવારના સતિવૃંદ સહિત ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરિયા સહિત જૈન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત
રહેશે.