ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકમાં વિવાદ જગાવી રહેલા હિજાબ મામલે હવે હાઇકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચમાં ફેસલો થશે. આ અંગે કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી ઉપરાંત જસ્ટિસ એસ દિક્ષિત અને જસ્ટીસ ખાજી જૈબુન્નીસા મોહિઉદ્દીન આજથી કેસની સુનાવણી કરશે. અગાઉ ગઇકાલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ આ મામલે 3 સભ્યોની ખંડપીઠને રચના કરી હતી. નોંધનીય છે કે અગાઉ આ મામલો કર્ણાટક હાઇકોર્ટની સિંગલ જજની કોર્ટમાં હતો.. જેમાં સુનાવણી કરનારા જજે બુધવારે કેસને ચીફ જસ્ટિસ સમક્ષ મોકલી દીધો. બીજી બાજુ સુનાવણીમાં વિલંબ થતાં રાજ્ય સરકારે હિજાબ મામલે કોઇ પણ ફેસલો કરતા પહેલાં હાઇકોર્ટની ચુકાદાની રાહ જોવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ઉડ્ડીપીની કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાના અધિકાર મામલે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
દેખાવો પર બે સપ્તાહનો પ્રતિબંધ
દરમિયાન કર્ણાટક પોલીસ રાજ્યની કોલેજો, પીયુ કોલેજો ડીગ્રી કોલેજો સાથે શિક્ષણ સંસ્થાનોના 200 મીટરના વિસ્તારમાં કોઇ પણ પ્રકારના પ્રદર્શન દેખાવો પર બે સપ્તાહ માટે પ્રતિબંધ મૂકી કલમ 144 લગાવી દીધી છે. જ્યારે બુધવારે આ મામલે રાજ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. કડક સુરક્ષા વ્યવસ્થા અને ત્રણ દિવસ સુધી શિક્ષણ સંસ્થાનો બંદ રહેવાને કારણે શાંતિ જળવાઇ રહી હતી.