ટ્રાફિક ડ્યુટી પર કરાઈ હતી હત્યા
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ભારતીય મૂળના એક પોલીસ જવાનના નામે કેલિફોર્નિયાના એક હાઈવેનું નામ રખાયું છે. અમેરિકી મીડિયા અનુસાર 2018માં ટ્રાફિક ડ્યુટી દરમિયાન એક જવાનને ગેરકાયદે પ્રવાસીએ ગોળી મારી દીધી હતી જેમાં તે શહીદ થઈ ગયા હતા.
અહેવાલ અનુસાર કેલિફોર્નિયાના ન્યૂમેનમાં હાઈવે-33નું વિસ્તરણ કરાયું છે. આ હાઇવેનું નામ હવે ભારતીય મૂળના પોલીસ જવાન રોનિલ સિંહના નામે રખાયું છે. 3 સપ્ટેમ્બરે હાઇવે-33 અને સ્ટુહર રોડ પર એક સમારોહમાં કોર્પોરલ રોનિલ સિંહ મેમોરિયલ હાઈવેની જાહેરાત કરાઈ હતી. આ દરમિયાન રોનિલ સિંહને સમર્પિત સાઈન બોર્ડનું અનાવરણ પણ કરાયું હતું.
કાર્યક્રમમાં રોનિલની પત્ની અનામિકા, તેમનો દીકરો અર્નવ અને પરિવારના અમુક સભ્યો સાથે ન્યુમેન વિભાગના અમુક સાથી કર્મી પણ હાજર હતા. પિતાની હત્યા વખતે અર્નવ ફક્ત પાંમ મહિનાનો હતો. સાઈન બોર્ડ પાછળ સંદેશ લખ્યો છે. જેમાં અર્નવે લખ્યું છે કે લવ યુ પપ્પા. આ દરમિયાન કેલિફોર્નિયા વિધાનસભાના સભ્ય જુઆન એલાનિસે ટ્વિટ કરીને હાઇવેના અનાવરણ વિશે અને ભારતીય મૂળના અધિકારી પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું.