મોટી રેસ્ટોરાં ચેઈનોએ ડીસ્કાઉન્ટ બંધ કરી દીધા: ફાસ્ટફૂડમાં ટમેટા-ડુંગળીનો ઉપયોગ ઘટાડયો-અમુક સલાડ આપવાનું અટકાવી દીધુ
દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી છે જયારે બહારનું રેસ્ટોરાનુ ખાવાનું પસંદ કરતા લોકોને પણ આંચકો લાગી શકે છે. ડુંગળી-ટમેટા જેવી ચીજોનો ભાવ વધારો સીધી અસરકર્તા છે અને તેને બ્રેક નહીં લાગે તો રેસ્ટોરાં સંચાલકો પણ મેનુ મોંઘા કરવાની વિચારણા કરવા લાગ્યા છે.
- Advertisement -
શાકભાજી ઉપરાંત લગભગ તમામ પ્રોડકટમાં ભાવ વધારાના પગલે મોટાભાગની રેસ્ટોરાં ચેઈને કેટલાંક વખતથી ડીસ્કાઉન્ટ સ્કીમ બંધ કરી જ દીધી છે.હવે ભાવવધારો કરવાની તૈયારી શરૂ કરી છે. રેસ્ટોરાં ચેઈન ધરાવતાં સંચાલકોના કહેવા પ્રમાણે ચોમાસાના આગમન ટાણે દર વર્ષે ‘સીઝનલ ભાવ વધારાનો અંદાજ હોય છે જ છે અને તેને ગણતરીમાં લેવાતો હોય જ છે.
પરંતુ આ વખતે વિવિધ ચીજોમાં ભાવ વધારો ઘણો વધુ રહ્યો છે.એટલું જ નહિં તે લાંબા સમયથી ચાલી રહ્યો છે. આટલા લાંબા વખત સુધી માર્જીન પર બોજ સહન ન થઈ શકે. મેનુ મોંઘુ કરવાનો વિકલ્પ વિચારવો જ પડે.
રેસ્ટોરાં સંચાલકોનાં કહેવા પ્રમાણે એકાદ પખવાડીયામાં શાકભાજીનાં ભાવ નીચા ન આવે તો ઓગસ્ટ મહિનાથી રેસ્ટોરાંમા ભાવ વધારો લાગુ કરાશે ખાસ કરીને ફાસ્ટફૂડમાં ટમેટા, મરચા, ડુંગળી, ઉપરાંત ચીઝ જેવી ડેરી પ્રોડકટનો મોટો વપરાશ-ઉપયોગ હોય છે. તમામ ચીજો મોંઘી થઈ છે.
- Advertisement -
મુંબઈ સ્થિત બાઈટસ એન ગ્રીલ દ્વારા તો ગ્રીન સલાડ બંધ કરી દેવાયો છે. બર્ગરમાં ટમેટાની સ્લાઈઝ ઘટાડી નાખવામાં આવી છે. ડીસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. મેનુ મોંઘા થવાના સંજોગોમાં ગ્રાહક સંખ્યા ટર્નઓવર ઘટવાના ભયથી કેટલાંક સંચાલકો કરકસરનાં વૈકલ્પિક કદમ ઉઠાવી રહ્યા છે.
સુત્રોએ કહ્યુ કે, મોટા ચેઈન રેસ્ટોરાં સપ્લાયરો સાથે વાર્ષિક કોન્ટ્રાકટ ધરાવતાં હોય છે.પરંતુ હવે સપ્લાયરો પણ નિયત ભાવે માલ સપ્લાય કરવામાં આનાકાની કરી રહ્યા છે. દિલ્હીનાં અમુક જાણીતા રેસ્ટોરાએ 45 દિવસ માટે મેનુમાં થોડો ભાવ વધારો કર્યો છે.