ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આયકર વિભાગના ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા તા. 19-9-2014ના રોજ નેશનલ શ્રોફ આંગડિયા પેઢી ખાતે ઈન્કમટેક્સની રેડ પાડવામાં આવી હતી, જેના અંતે કુલ 336 લોકોના નેશનલ શ્રોફ સાથે કરેલા કરોડોના વ્યવહારો સામે આવ્યા હતા. જેમાં કરદાતા અમિતકુમાર રાજાણીનું પણ નામ સામેલ હોય આયકર અધિકારીએ કરદાતા અમિતકુમાર રાજાણીના ત્રણ વર્ષોના કેસનું એસેસમેન્ટ શરૂ કર્યું, જેની સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ ફેનિલ મહેતા મારફત રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ અને એડવોકેટ ફેનિલ મહેતાની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે આયકર અધિકારી દ્વારા શરૂ કરવામાં આવેલ ત્રણેય વર્ષોની એસેસમેન્ટ કાર્યવાહીને રદબાતલ જાહેર કરી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદાની હકારાત્મક અસર અન્ય 335 લોકોના કેસો ઉપર પડશે એવું સેવાઈ રહ્યું છે. આ કેસમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી ફેનિલ એચ. મહેતા રોકાયેલ હતા.



