અર્થામૃત
હે રાજન ! બારીક છિદ્રવાળી જળમાં પકડાયેલા બે મોટા માછલાઓ જેમ જાળને કાપી નાખે છે, તેમ કામ અને ક્રોધ એ બંને બુદ્ધિમાં રહીને બુદ્ધિનો નાશ કરે છે.
- Advertisement -
કથામૃત:
એક ભાઈને વેપારમાં મોટી ખોટ ગઈ. નાણાકીય મુશ્કેલીમાંથી પાર ઊતરવા માટે એને વ્યાજે નાણાં લેવાનું નક્કી કર્યું. ગામમાં એક મોટા શાહુકાર રહેતા હતા. આ ભાઈ એમની પાસે ગયા. ભાઈની શાખ ગામમાં સારી હતી એટલે શાહુકાર નાણાં આપવા તૈયાર થયો પણ કંઈક ગીરો મૂકવાનું કહ્યું. વેપારી પાસે ગીરો મૂકી શકાય એવી કોઈ મિલકત નહોતી. એણે શાહુકારને કહ્યું, શેઠ, મારી પાસે એક કૂતરો છે. આપના માટે એ સામાન્ય પ્રાણી છે, પણ મારા માટે તો એ મારો દીકરો છે. હું એને મારી જાત કરતા વધુ ચાહું છું મારાથી અળગો કરવો મુશ્કેલ છે. પણ આપ કહો તો હું એને આપને ત્યાં ગીરવે મૂકી જાઉં. શેઠ આ માટે સહમત થયા. વેપારી ઘેરથી કૂતરાને લાવ્યો અને શેઠને સોંપ્યો. કૂતરાને ભેટીને ખૂબ રડ્યો અને પછી કૂતરાને કહ્યું, બેટા, જોજે હો શેઠની કોઈ ફરિયાદ ન આવે. મારું નાક ન કપાવતો. થોડા દિવસ પછી શેઠના ઘરમાં ચોર આવ્યા. કૂતરાએ ભસીને બધાંને જગાડ્યા અને ચોરનો પગ પકડી રાખ્યો આથી ચોર પકડાઇ ગયો અને શેઠની સંપત્તિ બચી ગઈ.
શેઠ બહુ રાજી થયા એણે પોતાની સંપત્તિ બચાવનાર આ કૂતરાને મુક્ત કરીને એના માલિકને સોંપવાનું નક્કી કર્યું. કૂતરાને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. કૂતરો સમજી ગયો અને માલિક પાસે જવા મળશે એ વિચારથી નાચવા માંડ્યો. શેઠે જે ઘટના બની હતી તે બધી વાત લખીને ‘તમામ દેવું માફ કરીને આ કૂતરાને મુક્ત કરું છું’ એવા મતલબની એક ચીઠ્ઠી કૂતરાના ગળામાં બાંધી દીધી. કૂતરાને ઘેર આવેલો જોઈને એનો માલિક ખૂબ ગુસ્સે ભરાયો. લોકોને ખબર પડશે કે કૂતરો શેઠને કહ્યા વગર ભાગીને આવી ગયો છે તો સમાજમાં પોતાની કોઈ આબરૂ નહીં રહે એ વિચારથી ક્રોધે ભરાયેલા માલિકે લાકડીથી કૂતરાને એવો ફટકાર્યો કે એ મરી ગયો. કૂતરાના મૃત્યુ બાદ માલિકનું ધ્યાન ગળામાં બાંધેલ ચીઠ્ઠી પર પડ્યું. એ ચીઠ્ઠી વાંચી તો માલિકના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. પણ હવે શું થાય ? આ સત્ય ઘટના છે. કૂતરાનો માલિક એટલે લાખો વણઝારો જેણે પોતાના આ પ્રિય કૂતરાની યાદમા વાવ બંધાવી અને વાવની બહાર કૂતરાની પ્રતિમા મૂકાવી. લોકો આ વાવને લાખા વણઝારાની વાવ તરીકે ઓળખે છે.
- Advertisement -
બોધામૃત
કેટલીક વાર આપણને જે દેખાય છે તે જ સાચું નથી હોતું. વાસ્તવિકતા કંઈક જુદી પણ હોઈ શકે. લાખા વણઝારા જેવી ભૂલ જીવનમાં ન થાય એ જો જો.