માર્ગ સલામતી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને તેમજ વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે કાર્યરત રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ટ્રાફિક સિગ્નલ, દબાણ, ગેરકાયદે હાઇવે મીડિયન ગેપ, હેલ્મેટ, લાઇસન્સ ઝુંબેશ વગેરે અંગે આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ડ્રાઈવ તેમજ જનજાગૃતિ કાર્યક્રમ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોમાં અકસ્માત જીવલેણ ન બને તે માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ શહેરમાં હેલ્મેટ ફરજીયાત હોવાનું જણાવી આગામી દિવસોમાં હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ પુન: શરુ કરવા પોલીસ કમિશનરએ ખાસ સૂચના આપી હતી. આગામી દિવસોમાં તહેવાર પૂર્ણ થયા બાદ તા. 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ અંગેની મેગા ડ્રાઈવ શરુ કરવામાં આવશે તેમ શ્રી બ્રજેશકુમારે નિર્દેશ આપ્યો હતો.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી પૂજા યાદવે શહેરમાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. તેમજ આર.એમ.સી. દ્વારા ટ્રાફિક બસના ડ્રાઈવરના ચેકિંગ અંગે કરેલ કામગીરીની વિગતો રજુ કરી હતી. તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાંઇવિંગ લાઇસન્સ સહીત ચેકીંગ અંગે કરવામાં આવેલ ડ્રાઈવ, ગેરકાયદે ચાલતા છકડા વિરુદ્ધ કરવામાં આવેલ કામગીરીની વિગતવાર માહિતી રજુ કરી હતી.
- Advertisement -
આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડે ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત કરેલ કામગીરીની માહિતી પુરી પાડી હતી. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલને રૂ. 1.50 લાખ સુધી કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનો ઉલ્લેખ કરી હોસ્પિટલ દ્વારા તેમાં સહકાર મળે તે માટે ખાસ ભાર મુક્યો હતો. તેમજ હિટ એન્ડ રન કેસમાં પણ ઘાયલને વળતર મળવાપાત્ર હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
અકસ્માતના બનાવો ઘટાડવા ફરી હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય, હેલ્મેટ વિના ફરતા વાહનચાલકોને દંડ ફટકારાશે
રાજકોટ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીની બેઠક યોજાઈ: RTO કેતન ખપેડે માર્ગ સલામતી અંતર્ગત કરેલી કામોની માહિતી પુરી પાડી