મંત્રીના હસ્તે ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના પૂજન સાથે મેળાની શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
- Advertisement -
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો જગવિખ્યાત તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજથી છઠ્ઠ સુધી એટલે કે તા. 26થી 29 ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તરણેતર લોકમેળાને આજે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જલાભિષેક કરી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તરફ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા રાત્રીના સમયે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભાદરવા સુદ ચોથ એટલે કે આવતું કાલે ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટના રોજ સાંજે 5:30 કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9:00 કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવતાર પ્રાપ્ત થશે.
આ સાથે ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. 28 ઓગસ્ટના રોજ સવારે 06.30 કલાકે ત્રિનેત્રેશ્વર મહાદેવના મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે અને સવારે 8.30 કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે સવારે 10:00 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ત્રિનેત્રેશ્વર મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે 09:30 કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાદરવા સુદ છઠ્ઠ તા. 29 ઓગસ્ટના રોજ સવારે 07.00 કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12.00 કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. જ્યારે આ ત્રણ દિવસીય લોકમેળામાં દેશ અને વિદેશથી નાગરિકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, પશુધન, રમત ગમતને ખૂબ જ નજીકથી નિહાળશે. આ લોકમેળામાં શાંતિ, સલામતી અને વાહન વ્યવહાર માટે 2500 પોલીસ કર્મચારીઓની સતત હાજરી જોવા મળશે જેમાં 8 ડીવાયએસપી, 50 પીઆઇ અને 100થી પણ વધુ પીએસઆઇ બંદોબસ્તમાં હાજર જોવા મળશે. જ્યારે મેળાનો આનંદ માણવા આવતા પર્યટકોને પણ કોઈ તકલીફ પડે નહીં તે માટે પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા પૂર્ણ કરી છે.