ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બે દિવસ પૂર્વે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં જર્જરિત બ્રિજને લઈને તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે પર, વાંકાનેર-કુવાડવા રોડ પર અને કુડા- ટીકર રોડ પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર સલામતીના ભાગરૂપે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
- Advertisement -
માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં પર આવેલા મેજર પુલને ભારે વાહનો માટે બંધ કરવો જરૂરી હોય, બ્રિજની મુલાકાત ડીઝાઇન ટીમ દ્વારા કરવામાં આવશે અને ફાઈનલ રીપોર્ટ ન આવે ત્યાં સુધી માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવે પરના પુલ (માળીયા ગામ પાસે) પર ભારે વાહનોના પ્રતિબંધ જારી કેતુ જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયાથી પીપળીયા રસ્તાની જગ્યાએ માળીયાથી મોરબી ટંકારા/આમરણ, ધ્રોલ, લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરાશે.
જામનગર-આમરણ તરફથી આવતા વાહનો પીપળીયા ચાર રસ્તાથી મોરબી થઈને માળીયા/કચ્છ તરફ જઈ શકશે.
વાંકાનેર- કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનોના પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી વાંકાનેર તરફ જઈ શકાશે.
તો વાંકાનેર તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી રાજકોટ તરફ જઈ શકાશે.
ધાંગધ્રા-કુડા-ટીકર રોડ પર મેજર બ્રિજ પરથી રેતીના ટ્રકો કે અન્ય ભારે વાહનો પસાર થવાથી બ્રિજ ડેમેજ થવાની સંભાવના વધુ છે તેમજ આ બ્રિજનું મંજુર થયેલ રીપેરીંગ તથા સ્લેબ રીકાસ્ટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતી જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે હળવદથી આવતા વાહનો ટીકર ગામ થઈને માધવનગર જઈ શકશે અને માધવનગરથી આવતા વાહનો ટીકર ગામ થઈને હળવદ જઈ શકશે.