બોમ્બ ચક્રવાતે નાતાલના દિવસે પણ પૂર્વીય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું હતું.
બોમ્બ ચક્રવાતે નાતાલના દિવસે પણ પૂર્વીય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું હતું. લાખો અમેરિકનો માટે રવિવારનો નાતાલનો દિવસ પણ ભારે હિમવર્ષા અને શિયાળાના આ તીવ્ર તોફાનથી કડવી ઠંડીને કારણે જોખમો અને મુશ્કેલીઓથી ભરેલો હતો. પશ્ચિમ ન્યૂયોર્કના બફેલોમાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી. બરફના તોફાને આખા શહેરને લાચાર બનાવી દીધું છે. ઇમરજન્સી સેવાઓ પણ અકસ્માતથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી શકી નથી. આખા અમેરિકામાં આ ભયંકર બરફના તોફાનના કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે.
- Advertisement -
આઠ ફૂટ સુધી બરફ જામ્યો
બફેલોના વતની અને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે એવું લાગે છે કે જાણે આ વિસ્તાર યુદ્ધનું મેદાન હોય. રસ્તાઓની બાજુમાં પડેલા વાહનોની સંખ્યા ચોંકાવનારી છે. જ્યાં આઠ ફૂટ (2.4-મીટર) બરફ પડ્યો છે અને પાવર આઉટેજને કારણે વધુ જીવલેણ સ્થિતિ સર્જાઈ છે. હોચુલે રવિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના લોકો હજુ પણ અત્યંત જોખમી જીવલેણ પરિસ્થિતિની પકડમાં છે. તેમણે વિસ્તારના દરેક લોકોને ઘરની અંદર રહેવા ચેતવણી આપી હતી. જ્યારે અમેરિકાના ઘણા પૂર્વી રાજ્યોમાં 200,000 થી વધુ લોકોએ વીજળી વિના ક્રિસમસ પસાર કરવી પડી હતી. અમેરિકાના 9 રાજ્યોમાં બોમ્બ ચક્રવાતને કારણે 31 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં કોલોરાડોમાં 4 લોકોના મોતનો પણ સમાવેશ થાય છે. ન્યૂયોર્ક રાજ્યમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. ત્યાંના અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે.
એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ઇમરજન્સી સર્વિસ ક્રૂને બચાવ મદદની જરૂર હોય તેવા લોકોને શોધવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેમને કલાકો સુધી વાહનોમાં અને બરફ નીચે મૃતદેહો શોધવા પડે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થિર પાવર સબસ્ટેશનોને કારણે મંગળવાર સુધી કેટલાક લોકોના ઘરોમાં વીજળી પરત આવે તેવી અપેક્ષા નહોતી. જ્યારે એક થીજી ગયેલું સબસ્ટેશન 18 ફૂટ બરફ નીચે દટાઈ ગયું હોવાનું કહેવાય છે. ટ્રેકિંગ વેબસાઈટ Flightaware.com અનુસાર, રવિવારે 2,400 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. એટલાન્ટા, શિકાગો, ડેનવર, ડેટ્રોઇટ અને ન્યૂયોર્ક સહિતના એરપોર્ટ પર ક્રિસમસ ડે દરમિયાન મુસાફરો અટવાયા હતા.