ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું
BBMP ચીફ કમિશર ગૌરવ ગુપ્તાએ અધિકારીઓને જનતાની તાત્કાલિક મદદ કરવાનો આદેશ આપ્યો
- Advertisement -
બેંગલુરૂમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ગુરૂવારથી શરૂ થયેલાં વરસાદને કારણે કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે. હવામાન વિભાગે વધુ 2 દિવસની વરસાદની આગાહી કરી છે.
લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે બેંગલુરૂની નાગરિક સંસ્થા અને ફાયર વિભાગે ઈમરજન્સી ઓપરેશન શરૂ કરી દીધું છે. BBMPના જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદને કારણે 12 વૃક્ષો ધરાશાયી થયા હતા. રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર પાણી અવરોધ જેવી ફરિયાદો પર ઝડપથી ધ્યાન આપવા અને કામ કરવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓની આકરી ચેતવણી આપતા BBMP ચીફ કમિશનર ગૌરવ ગુપ્તાએ કહ્યું હતું કે, જો લોકોને મદદ નહીં કરવામાં આવે તો અધિકારીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. સુત્રો અનુસાર ફળો વેચીને પોતાનું ગુજરાન ચલાવતો વસંત વીજળીના થાભંલા પર લટકતા કપાયેલા તારના સંપર્કમાં આવ્યો ત્યાર બાદ તેને વીજ કરંટ લાગ્યો હતો. જોકે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હતું.