રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સામે સવાલ
સાધુ વાસવાણી રોડ સહિત અનેક વિસ્તારોમાં ડામર ઉખડી ગયા !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની દયનીય સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાધુ વાસવાણી રોડ અને ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ફરી તીવ્ર બની છે. ગોપાલ ચોક વિસ્તારમાં વરસાદના પાણીના ભારે પ્રવાહમાં એક સ્કૂટર તણાઈ જતા લોકો ચોંકી ગયા હતા. ઘટનાનો વીડિયો સ્થાનિક રહેવાસીઓએ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે વાઈરલ થયો છે. વીડિયો દ્રશ્યોમાં રોડ પરનો ડામર ઉખડીને પાણીમાં તરતો જોવા મળ્યો છે. શહેરીજનો દ્વારા મનપા પાસે તાત્કાલિક માર્ગોની સમીક્ષા અને મરામત કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે. લોકોએ કહ્યું કે, ‘આ વરસાદની શરૂઆત છે, ચોમાસું હજુ બાકી છે… આવા રસ્તાઓ સાથે અમે આખું ચોમાસું કેવી રીતે પસાર કરી શકીએ?’
મહાપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ છતાં કોઇ નક્કર પરિણામ નહીં
જાગૃત નાગરિકો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, ‘રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સદૈવ હલકી ગુણવત્તાનો મટિરિયલ ઉપયોગ થાય છે. રસ્તા કાગળ પર બનેલા હોય તેમ લાગે છે, કારણ કે વરસાદ આવ્યા પછી એ રસ્તા ટકી જતા નથી.’ લોકોએ કહ્યું કે, ‘રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં, બે દિવસના વરસાદે સ્થિતિ એવી ઉભી કરી કે વોકળા પણ શરમાઈ જાય.’ તેમનું કહેવું છે કે મનપા પાસે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ યોજના નથી, જેના કારણે વરસાદ આવતા જ શહેરના મુખ્ય માર્ગો પણ નદીઓમાં ફેરવાઈ જાય છે.
- Advertisement -
વાહનચાલકો અને રાહદારીઓ વરસાદમાં ઘરની બહાર નીકળતાં ડરે છે!
શહેરના અનેક મુખ્ય અને ઉપમાર્ગો પર પાણી ભરાવાની સાથે સાથે ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે સંકટ ઉભું થયું છે. લોકો ઘેરા ખાડામાં વાહન ફસાવાની ઘટનાઓથી ડરી રહ્યા છે. જેનાં કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ઘરની બહાર નીકળતાં વિચારે છે.
સોશિયલ મીડિયા પર જનતાનો ફૂટ્યો આક્રોશ
સ્થાનિક રહેવાસીઓ અને નેટીઝન્સ દ્વારા સતત સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરીને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે. જ્યાં તંત્ર વેરો વસૂલે છે, ત્યાં રસ્તાઓનું આ હાલ છે તો ન્યાય ક્યાં છે? એવો પડકાર લોકોએ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ગ્રુપોમાં મૂક્યો છે.