વાદળછાયા વાતાવરણ બાદ સાંજે મેઘરાજાની એન્ટ્રી; કપાસ અને મગફળીના પાકને નુકસાનની ચિંતા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
રવિવારના રોજ ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરના ભારે બફારા બાદ સાંજના સમયે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે આવેલા આ અંતિમ રાઉન્ડથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ વરસાદથી કપાસ અને મગફળીના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.