ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રવિવારે એક જ રાતમાં ધોધમાર પાંચ ઈંચ અને જીલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ બાદ સોમવારે રાતે અને મંગળવારે સવારે પણ મેઘસવારી યથાવત રહેતાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોની હાલત કફોડી બની હતી અને વોંકળા બે કાંઠે ધસમસતા થયા હતા તો અમુક કોઝવે ધોવાઈ જતાં વાહન વ્યવહારને અટકાવી દેવો પડ્યો હતો જેથી વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે ટંકારાના મેઘપર ઝાલા પાસેના કોઝવે પર ભયંકર પાણી ફરી વળ્યા હતા જેના લીધે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હતી અને વાહનોને કાંઠે જ અટકાવી દેવા પડ્યા હતા જ્યારે પ્રવાહ ઓછો થયો પછી વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો તો બીજી તરફ મોટી વાવડી અને પંચાસર ગામને જોડતા રોડનો વોંકળો બે કાંઠે થયો હતો. આ સાથે મોરબી તાલુકાનું ચકમપર (જીવાપર) ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું જેમાં નદીના પુલનું કામ ચાલુ હોવાથી નીચે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો જે ડાયવર્ઝનનું ભારે વરસાદના કારણે ધોવાણ થવાથી ચકમપર ગામ સંપર્કવિહોણુ થઈ ગયું હતું તેમજ ખોખરા હનુમાન મંદિર પાસેના વોંકળા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા રસ્તો બંધ કરવો પડ્યો હતો જયારે હરીપર અને કેરાળા ગામ વચ્ચેનો કોઝવે બે કાંઠે થતા વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો અને ગ્રામજનો પોતાના જ ગામમાં કેદ થયા હતા. કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહને પગલે કોઈ દુર્ઘટના ન બને તે માટે અમુક કલાકો સુધી વાહનોને પસાર થતા અટકાવી દેવાયા હતા.
મોરબીમાં ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો વિખુટા
