ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીનો રાજ્યના 137 તાલુકામાં માવઠું વરસ્યું છે.
- Advertisement -
ડાંગર-મગફળીનો તૈયાર પાક પલળી ગયો
ચાર કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 6.22 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં ભારે વરસાદની પગલે ચોમાસા જેવી કપરી સ્થિતિ જોવા મળી રહી છે.
અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને પગલે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ રાજુલાના ધાતરવાડી ડેમ-2ના પાણી ગામોમાં પ્રવેશતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ધરારાનાનેશમાં પૂરના કારણે વીજપોલ ધરાશયી થયો છે, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ખેતરો જાણે સરોવર હોય તેવા દૃશ્ર્યો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલમાં પાક લણવાનો સમય છે, ત્યારે જ કુદરતી આફત વરસતા ખેતરમાં રહેલા મગફળી, ડાંગરના પાથરા પાણીમાં ડૂબ્યાં છે. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે.
- Advertisement -
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે, ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા
ભાવનગર જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસા સીઝન બાદ 8મી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક સતત વધતાં સવારે 12 ક્લાકે ડેમના તમામ 59 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
શિયાળામાં મેઘપ્રકોપ: હજુ 3 દિ’ની આગાહી
અમરેલી-ભાવનગર જિલ્લામાં વરસાદનું વધુ જોર, મહુવામાં તો આભ ફાટયુ: પાકનો સોથ વળી ગયો: રેસ્ક્યૂ કરવા MLA હીરા સોલંકી પાણીમાં ઉતર્યા, ખેડૂતોના જીવ પડીકે બંધાયા
રાજુલામાં 50 ખેડૂતો પાણીમાં ફસાયા, ધારાસભ્ય હીરા સોલંકી મદદે પહોંચ્યાં
રાજુલા તાલુકામાં ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિને લઈ ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા 50 જેટલા મજૂરો વાડીમાં ફસાતા હતાં. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી દોડી આવ્યાં હતાં અને કડસમા પાણીમાં ચાલીને પીપાવાવ મરીન પોલીસ સાથે સ્થળે પહોંચી 50 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં હતાં.
ઊનાના ખંઢેરા અને અમોદ્રા સંપર્ક વિહોણા, ગુપ્તપ્રયાગ તીર્થ પાણીમાં ગરકાવ
ઉના તાલુકાના વધુ બે ગામ ખંઢેરા અને અમોદ્રા સંપર્ક વિહોણા થયા છે. ગામમાં લોકોની અવરજવર બંધ થઈ છે. ઉના શહેરમાં વધુ 3.5 ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર વિસ્તાર પાણીમય
જોવા મળી રહ્યો છે. ઉના શહેરમાં પણ વરસાદી પાણીથી કરફ્યુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોની દયાજનક હાલત જોવા મળી રહી છે. ઉના નજીક ગુપ્તપ્રયાગ તીર્થ સ્થાન પર આવેલ પ્રયાગરાય મંદિર ઉપરવાસ વ્યાપક વરસાદને પગલે મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સમગ્ર પંથકમાં વ્યાપક વરસાદને પગલે લોકો મુશ્ર્કેલી અનુભવી રહ્યા છે. સવારે 6.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધીમાં સમગ્ર વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
મહુવામાં નદીની માફક રોડ પર પાણી વહેતું થયું, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
મહુવામાં આખી રાત પડેલા અનરાધાર વરસાદને પગલે શહેરનું મુખ્ય બજાર તેમજ મુખ્યમાર્ગ પર પાણી ફરી વળીયા છે. ગાંધીબાગ, કુબેરબાગ તેમજ ગાર્ડન રોડ પરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી નદી માફક વાહી રહ્યા છે. વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ વરસાદની ગતિ ઘટી છે અને ઝરમર વરસાદ શરૂ છે, પરંતુ રોડ-રસ્તાના પાણી વહી રહ્યા હોવાથી તેની અસર જનજીવન પર જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના નાના તેમજ મોટા વેપાર-ધંધા બંધ છે.
રામપરા ગામમાં બોલેરો-બાઇક તણાયું
રાજુલાના રામપરા ગામમાં ધાતરવડી નદીના પાણી ઘૂસી જતાં દૂધ લઇને જતો બોલેરો ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઇ ગયા બાદ તણાઇ ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ ભેગા મળીને દોરડા વડે ચાલકનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવી લીધો બતો. બીજી તરફ અહીં એક બાઇક પણ તણાઇ ગયું હતું, જેના ચાલકનું પણ સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું હતું.



